તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Friday, 8th May 2026
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું ‘મિશન મિલાપ’ રંગ લાવ્યું : વર્ષ ૨૦૦૭થી ફાઈલોમાં દબાયેલા કેસો ઉકેલી ૧૮ વર્ષથી લાપતા લોકો સહિત ૧૦૦૦થી વધુ વ્યક્તિઓને પરિવારો સાથે મેળાપ કરાવતી સુરત પોલીસ
અધિક પોલીસ કમિશનર ડૉ. કરનરાજ વાઘેલા અને નાયબ પોલીસ કમિશનર ભાવેશ રોજીયાના માર્ગદર્શન હેઠળ એઆઈ (AI) ટેકનોલોજી તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી માત્ર ચાર મહિનામાં ૬૯૬ ગુમ થયેલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને શોધી કાઢવામાં મળી મોટી સફળતા

રાજકોટ: ગુજરાતના ડીજીપી ડૉ. કે.એલ. રાવ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન મુસ્કાન’માંથી પ્રેરણા મેળવી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહેરમાં ‘મિશન મિલાપ’ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત પોલીસે માનવીય સંવેદના સાથે વર્ષોથી ગુમ થયેલા લોકોની શોધખોળ આદરી છે, જેમાં ૧૮ વર્ષ જૂના પડતર કેસોમાં પણ સફળતા મળી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતે દરરોજ અધિકારીઓ સાથે આ મિશનની પ્રગતિ અંગે પૃચ્છા કરી રહ્યા છે, જેના પરિણામે અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ લોકોને તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યા છે.
ટીમ વર્ક અને ટેકનોલોજીનો સમન્વય:
આ મિશનની મહત્વની જવાબદારી અધિક પોલીસ કમિશનર ડૉ. કરનરાજ વાઘેલાને સોંપવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ભાવેશ રોજીયા (ક્રાઈમ), મદદનીશ પોલીસ કમિશનર કે.એમ. જોસેફ અને મિસિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. શેરગીલની ટીમે રાત-દિવસ મહેનત કરી છે. વર્ષ ૨૦૦૭થી અત્યાર સુધીના ગુમ થયેલા ૪૫૦૦ જેટલા લોકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો હતો. મિસિંગ સેલની ટીમ દરરોજ ૨૫ જેટલા ગુમ થયેલા લોકોના પરિવારજનોનો સંપર્ક કરી નવી કડીઓ મેળવતી હતી. વર્ષ ૨૦૨૬ના પ્રથમ ચાર મહિનામાં પોલીસે કુલ ૬૯૬ વ્યક્તિઓને શોધ્યા છે, જેમાં જાન્યુઆરીમાં ૧૫૨, ફેબ્રુઆરીમાં ૧૯૩, માર્ચમાં ૧૯૪ અને એપ્રિલમાં ૧૫૭ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ આંકડામાં ૧૧૪ છોકરાઓ, ૧૪૩ છોકરીઓ, ૨૫૫ મહિલાઓ અને ૧૮૪ પુરુષો સામેલ છે.
આધુનિક પદ્ધતિથી તપાસનો વેગ વધ્યો:
અધિક પોલીસ કમિશનર ડૉ. કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કામગીરીમાં આધુનિક ટેકનોલોજીની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો પણ ઉપયોગ કર્યો છે, જે ગુમ થતી વખતના દેખાવ અને હાલના દેખાવની સરખામણી કરવામાં મદદરૂપ બની છે. આ ઉપરાંત પેમેન્ટ ગેટવે, સોશિયલ મીડિયા અને બાયોમેટ્રિક ડેટાની મદદથી લોકેશન ટ્રેસ કરવામાં આવ્યા હતા. સુરત પોલીસની ટીમોએ અલગ-અલગ રાજ્યોમાં જઈને, ત્યાંની સ્થાનિક પોલીસ અને ગામના પ્રતિનિધિઓની મદદ લઈને ગુમ થયેલા લોકોને શોધી કાઢી ‘મિશન મિલાપ’ને સફળ બનાવ્યું છે. વડોદરા અને અમદાવાદ જેવા શહેરોની સરખામણીએ સુરત પોલીસ ગુમ થયેલા લોકોને શોધવામાં રાજ્યમાં મોખરે રહી છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
