તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
સુરત પોલીસની ભગીરથ કામગીરી: અડધી રાત્રે મેસેજ મળતાં જ માત્ર ૨ મિનિટમાં પહોંચી PCR ટીમે દરવાજો તોડી ફાંસો ખાતી મહિલાને આપ્યું CPR, હોસ્પિટલમાં બચાવ્યો જીવ!
અડાજણ વિસ્તારમાં કંટ્રોલ રૂમના મેસેજ બાદ PCR-56 ના જવાનોએ દાખવી અદભુત સમયસૂચકતા: રેસ્ક્યૂ ઓપરેશનનો ભાવુક વીડિયો વાયરલ થતાં ચારેય તરફ પ્રશંસાની સરવાણી

સુરત : સુરત શહેરના અડાજણ વિસ્તારમાં અડધી રાત્રે એક અત્યંત શ્વાસ અધ્ધર કરી દેતી ઘટના સામે આવી છે, જ્યાં સુરત પોલીસની ત્વરિત કામગીરી અને માનવતાવાદી અભિગમના કારણે એક મહિલાનો અમૂલ્ય જીવ બચી ગયો છે.
રાત્રિના આશરે ૧૨:૪૯ વાગ્યે PCR-56 ની ટીમને કંટ્રોલ રૂમ તરફથી તાકીદનો મેસેજ મળ્યો હતો કે અડાજણ વિસ્તારમાં એક મહિલા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે. આ મેસેજ મળતાં જ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોલીસ જવાનો ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા.
માત્ર ૨ મિનિટ ૧૦ સેકન્ડમાં પહોંચીને દરવાજો તોડ્યો:
આવી કટોકટીની ક્ષણોમાં સમય ખૂબ જ કિંમતી હતો. પોલીસે માત્ર ૨ મિનિટ અને ૧૦ સેકન્ડના ટૂંકા સમયમાં બતાવેલા સરનામે પહોંચીને કામગીરી શરૂ કરી દીધી હતી. ઘર પાસે પહોંચીને બારીમાંથી જોતાં મહિલા ફાંસો ખાવાનો પ્રયાસ કરી રહી હતી. સ્થિતિની ગંભીરતા સમજીને પોલીસે જરાય રાહ જોયા વગર ઘરનો મુખ્ય દરવાજો તોડી નાખ્યો અને ઘરમાં પ્રવેશ કર્યો હતો.
સ્થળ પર જ CPR આપી ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાઈ:
ટીમે તુરંત મહિલાને નીચે ઉતારી હતી અને ગંભીર હાલતમાં સ્થળ પર જ પ્રાથમિક સારવાર તરીકે CPR આપવાનું શરૂ કર્યું હતું. આ સાથે તત્કાલ ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરીને મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમયસર મળી ગયેલી પોલીસ મદદ અને તાત્કાલિક મેડિકલ સારવારના કારણે મહિલાનો સદ્ભાગ્યે જીવ બચી ગયો છે અને હાલ તેની તબિયત સ્થિર છે.
રેસ્ક્યૂનો વીડિયો વાયરલ, પોલીસ ટીમને ચારેય તરફથી બિરદાવાઈ:
આ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પોલીસ કર્મચારીઓ અત્યંત ઝડપથી મહિલાનો જીવ બચાવવા માટે મથામણ કરતા દેખાઈ રહ્યા છે. અડાજણ PCR-56 ના હેડ કોન્સ્ટેબલ જયંતીલાલ રાઠોડ, PCR પાઇલટ ઋતિક કોંકણી, FOP રાજ શર્મા અને કોન્સ્ટેબલ સાગર ભાઈની આ કામગીરીને અડાજણ પી.આઈ. એન. એ. ચાવડા સહિત સમગ્ર સુરત શહેરે બિરદાવી છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
