<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

સુરત રેલવે સ્ટેશન પર DRIનો મોટો ઓપરેશન: ટ્રોલી બેગના ગુપ્ત ખાનામાંથી ₹6.30 કરોડનું ડ્રગ્સ ઝડપાયું: મહિલા પેડલરની ધરપકડ

દિલ્હી-મુંબઈ ટ્રેનમાં ફિલ્મી ઢબે ખેલાયો ડ્રગ્સની હેરાફેરીનો ખેલ: નાસિકની મહિલા મેથામ્ફેટામાઇનના પેકેટો પર કપડાં અને જૂતા સંતાડીને પોલીસને છેતરવાનો પ્રયાસ કરતી હતી

સુરત: રેલવે માર્ગે ડ્રગ્સની હેરાફેરી કરતા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો સુરતમાં પર્દાફાશ થયો છે. દિલ્હીના નિઝામુદ્દીન સ્ટેશનથી મુંબઈ જતી ટ્રેનમાં એક મહિલા મુસાફર કરોડોની કિંમતના 'મેથામ્ફેટામાઇન' ડ્રગ્સ સાથે મુસાફરી કરી રહી હોવાની સચોટ બાતમી DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) ને મળી હતી. અધિકારીઓએ તુરંત એક્શનમાં આવી સુરત રેલવે સ્ટેશન પર જાળ બિછાવી હતી. ટ્રેન પ્લેટફોર્મ પર આવતાની સાથે જ બાતમી મુજબના સીટ નંબર પર ત્રાટકીને એજન્સીએ 45 વર્ષીય મહિલા મેલારિયો હેનરીને અટકાયતમાં લીધી હતી, જેણે શરૂઆતમાં તો પોતે નિર્દોષ હોવાનો ડ્રામા કરીને અધિકારીઓને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો.

તપાસ દરમિયાન મહિલાની ટ્રોલી બેગ ખોલતા ઉપર તો માત્ર સામાન્ય મુસાફરના કપડાં અને જૂતાના બોક્સ દેખાયા હતા, પરંતુ જ્યારે અધિકારીઓએ બેગના તળિયાની બારીકાઈથી તપાસ કરી તો તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ડ્રગ્સના પેકેટોને બેગના તળિયે ખાસ રીતે ટેપ કરીને છુપાવવામાં આવ્યા હતા જેથી કોઈને શંકા ન જાય. જપ્ત કરાયેલા મેથામ્ફેટામાઇનનું વજન અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ₹6.30 કરોડ આંકવામાં આવી છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સની હેરાફેરી પકડાવવી એ સુરત DRI માટે મોટી સફળતા માનવામાં આવે છે.

ધરપકડ કરાયેલી મહિલા નાસિકની રહેવાસી છે અને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે કોઈ મોટા સંગઠિત ડ્રગ્સ માફિયા માટે 'કુરિયર' તરીકે કામ કરતી હતી. સુરત કોર્ટે આરોપી મહિલાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપી છે. હાલમાં DRI ની ટીમ દિલ્હીના સપ્લાયર અને મુંબઈના રીસીવર સુધી પહોંચવા માટે મોબાઈલ ડેટા અને કોલ રેકોર્ડ્સની તપાસ કરી રહી છે. એજન્સીને શંકા છે કે આ નેટવર્કના તાર આંતરરાષ્ટ્રીય સ્તર સુધી જોડાયેલા હોઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

(6:23 PM IST)