News of Sunday, 3rd May 2026
સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહના માર્ગદર્શનમાં LCBનો સપાટો : વાપીમાં ટેમ્પો ટ્રાવેલ્સના ગુપ્ત ચોરખાનામાંથી ₹3.91 લાખનો દારૂ ઝડપાયો
કોન્સ્ટેબલ વિવેકની બાતમીથી સેલવાસથી જુનાગઢ જતી લક્ઝરીમાં છુપાવેલી વ્હીસ્કી-વોડકાની 1302 બોટલો જપ્ત : ચાલક ફેજલ કાળવાતર પકડાયો, મુસ્તુફા માલવિયા વોન્ટેડ

વાપી : વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ ગોહિલના નેતૃત્વમાં અને સુરત રેન્જ વડા પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ દારૂબંધીના કડક અમલીકરણના ભાગરૂપે કાબિલેદાદ કામગીરી કરી છે. વાપી નજીક નેશનલ હાઈવે પર હાથ ધરવામાં આવેલા એક ઓપરેશનમાં પોલીસે ટેમ્પો ટ્રાવેલ્સમાં બનાવેલા ગુપ્ત ચોરખાનાનો પર્દાફાશ કરી ₹3.91 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી
વલસાડ LCBની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે કોન્સ્ટેબલ વિવેક ઘનશ્યામભાઈને એક સચોટ માહિતી મળી હતી કે, સેલવાસથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને એક ટેમ્પો ટ્રાવેલ્સ વાયા વાપી થઈને જુનાગઢ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે સલવાવ ઓવરબ્રીજ ઉતરતા નેશનલ હાઈવે નંબર 48 પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી સફેદ રંગની ટેમ્પો ટ્રાવેલ્સ (નંબર GJ-32-T-4926) ને અટકાવીને સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.
બોડીમાં ખાસ બનાવેલા ચોરખાનાનો પર્દાફાશ
શરૂઆતમાં વાહન ઉપરથી જોતા સામાન્ય જણાતું હતું, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા ટેમ્પોની બોડીમાં ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા ગુપ્ત ચોરખાના મળી આવ્યા હતા. આ ખાનાઓમાંથી પોલીસે વિદેશી વ્હીસ્કી અને વોડકાની કુલ 1302 બોટલો જપ્ત કરી હતી, જેની બજાર કિંમત ₹3,91,800 આંકવામાં આવી છે. પોલીસે આ દારૂનો જથ્થો, ₹5 લાખની કિંમતનું વાહન અને મોબાઈલ ફોન મળી કુલ ₹8,96,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપીઓની ધરપકડ અને ગુનાહિત ઇતિહાસ
પોલીસે આ મામલે ટેમ્પો ચાલક ફેજલ રજાકભાઈ કાળવાતર (રહે. વિસાવદર, જુનાગઢ) ની સ્થળ પરથી ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી ફેજલ અગાઉ પણ મારામારી અને ટ્રાફિકના ગુનાઓમાં સંડોવાયેલો છે. આ સાથે જ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધાર મુસ્તુફા રજાકભાઈ માલવિયા (રહે. બિલખા, જુનાગઢ) ને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
વાપી ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ
આ સફળ કામગીરી બાદ સમગ્ર મામલાની વધુ તપાસ વાપી ટાઉન પોલીસને સોંપવામાં આવી છે. આ દારૂનો જથ્થો સેલવાસમાં કોની પાસેથી લેવામાં આવ્યો હતો અને સૌરાષ્ટ્રના જુનાગઢમાં અન્ય કયા શખ્સોને તેની ડિલિવરી આપવાની હતી, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. LCB ની આ ત્વરિત અને સચોટ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
