તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 4th September 2026
સુરત રેસ્ટોરન્ટ ફૂડ પોઇઝનિંગ કેસમાં આવ્યો મોટો અને ચોંકાવનારો વળાંક, માસૂમ બાળકીના વિસેરા રિપોર્ટમાં ઝેરના કોઈ જ અંશ નહીં મળતા નીલ સાબિત થયું
સુરતના પુણા વિસ્તારમાં ભોજન લીધા બાદ ચાર વર્ષીય બાળકી આર્યાના શંકાસ્પદ મોત મામલે એફએસએલનો સત્તાવાર રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં વિસેરાના નમૂનામાં કોઈ પણ ઘાતક કેમિકલ કે ઝેરી રસાયણ મળ્યું નથી.

સુરત : સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટનું ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગની આશંકા વચ્ચે ચાર વર્ષીય બાળકી આર્યાના મોતના કેસમાં અત્યંત મહત્વનો અને મોટો વળાંક સામે આવ્યો છે. બાળકીના મૃત્યુનું ચોક્કસ કારણ શોધવા માટે તેના શરીરના વિસેરાના નમૂના સુરત એફએસએલ ખાતે હિસ્ટોપેથોલોજી અને ટોક્સિકોલોજીકલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. હવે જે સત્તાવાર એફએસએલ રિપોર્ટ બહાર આવ્યો છે, તેમાં વિસેરાના નમૂનાઓમાં કોઈપણ પ્રકારના ઝેરી રસાયણ કે ઘાતક કેમિકલની હાજરી બિલકુલ મળી ન હોવાનું સ્પષ્ટ થયું છે. એફએસએલ રિપોર્ટ નીલ આવવાના કારણે બાળકીનું મૃત્યુ કોઈ ઝેરી પદાર્થના કારણે થયું હોવાની શક્યતા હાલના તબક્કે સાબિત થઈ શકી નથી.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો પુણાગામ વિસ્તારમાં આવેલી રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કલસરિયા, તેમના પત્ની જ્યોત્સનાબેન અને તેમની ત્રણ પુત્રીઓએ ગત પંદરમી ઓગસ્ટની રાત્રે માતાવાડી વિસ્તારમાં ધમધમતી શીતલ રેસ્ટોરન્ટમાંથી ભોજનનું પાર્સલ મંગાવ્યું હતું. આ પરિવારે રેસ્ટોરન્ટમાંથી સ્વાદિષ્ટ પનીર ટિક્કા અને કાજુ મસાલાનું શાક મંગાવીને આરોગ્યું હતું. પરંતુ આ ભોજન લીધાના થોડા જ સમય બાદ એટલે કે બીજા દિવસે વહેલી સવારે પરિવારના પાંચેય સભ્યોની તબિયત અચાનક અત્યંત ખરાબ થવા લાગી હતી. પરિવારના તમામ સભ્યોને પેટમાં અસહ્ય દુખાવો, સતત ઊલટીઓ અને ઉબકા જેવી ગંભીર તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.
શરૂઆતના તબક્કામાં પરિવારે તમામ સભ્યોને કોઈ સ્થાનિક ખાનગી ક્લિનિકમાં બતાવીને પ્રાથમિક સારવાર અપાવી હતી. જોકે, તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા ન મળતા પરિવારના તમામ સભ્યોને ત્વરિત સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જ્યારે તમામની સારવાર ચાલી રહી હતી, ત્યારે પરિવારની સૌથી નાની અને વ્હાલસોયી ચાર વર્ષીય દીકરી આર્યાની તબિયત વધુ નાજુક અને ગંભીર બની ગઈ હતી. આખરે સોમવારે બપોરે સારવાર દરમિયાન જ માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. પરિવારના અન્ય સભ્યોની સ્થિતિ પણ અત્યંત ગંભીર રહી હતી, પરંતુ લાંબી અને સઘન સારવારના અંતે તેઓ સાજા થઈ શક્યા હતા.
બાળકીના આકસ્મિક મોત બાદ પોલીસે તુરંત કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જોકે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા દરમિયાન પણ બાળકીના મૃત્યુ પાછળનું ચોક્કસ તબીબી કારણ સ્પષ્ટ થઈ શક્યું નહોતું. જેના કારણે વિસેરાના નમૂનાઓ એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. હવે એફએસએલના રિપોર્ટમાં વિસેરા નીલ આવ્યા છે એટલે કે શરીરમાં કોઈ ઝેર હોવાની પુષ્ટિ થઈ નથી. આ ગંભીર ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શીતલ રેસ્ટોરન્ટમાં તપાસ કરીને ભારે અસ્વચ્છતા અને અનિયમિતતાઓ ઝડપી પાડી હતી અને રેસ્ટોરન્ટને સીલ મારી દીધું હતું. તપાસ અધિકારી ઇન્સ્પેક્ટર એ.આર. વાળાના જણાવ્યા મુજબ, એફએસએલના પરીક્ષણમાં ઝેરના કોઈ અંશ ન મળતા હવે પોલીસ અને તબીબી નિષ્ણાતો બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે અન્ય કોઈ પેથોલોજીકલ કારણોની દિશામાં સઘન તપાસ ચલાવી રહ્યા છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
