<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

સુરત ગ્રામ્ય LCBનો મોટો સપાટો: આઇસર ટ્રકમાંથી રૂ. 27.37 લાખનો વિદેશી દારૂ ઝડપાયો : એક આરોપીની ધરપકડ

કામરેજના દિગસ ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ-વે પર ફિલ્મી ઢબે કાર્યવાહી; 14,640 બોટલ વિદેશી દારૂ સાથે રૂ. 37.43 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત તા.૫ : ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરી ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. કામરેજ તાલુકાના દિગસ ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ-વે નંબર-4 પરથી પસાર થતી આઇસર ટ્રકને રોકી પોલીસે તેમાંથી વિદેશી દારૂની 14,640 બોટલો ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂના જથ્થા સહિત કુલ રૂ. 37,43,680નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા પોલીસને સૂચનાઓ આપી હતી. જેના અનુસંધાને LCB પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણીની આગેવાની હેઠળ અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન LCBના ASI રોહિતભાઈ બાબુભાઈ, હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ ઈશ્વરભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ માયાભાઈને ખાનગી બાતમી મળી હતી કે, RJ-06-GB-9977 નંબરની આઇસર ટ્રકમાં ગોવાથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી નવસારી તરફથી નેશનલ એક્સપ્રેસ-વે નંબર-4 મારફતે વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે PSI એ.એન. ચૌહાણ અને LCBની ટીમે કામરેજ તાલુકાના દિગસ ગામની હદમાં મુંબઈ-વડોદરા એક્સપ્રેસ-વે પર વોચ ગોઠવી હતી. બાતમીવાળી ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. ટ્રકની અંદર તપાસ કરતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

એક આરોપી ઝડપાયો, અન્ય ચારની શોધખોળ

 

 

પોલીસે ઝડપેલા ટ્રકચાલકની ઓળખ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના દેવગઢ, ખાદી ભંડાર પાછળ, વોર્ડ નંબર-23ના રહેવાસી 34 વર્ષીય રમેશચંદ્ર નૈનાલાલ માલી તરીકે થઈ છે.

આ ઉપરાંત દારૂનો જથ્થો ટ્રકમાં ભરાવવા માટે મોકલનાર પાજી નામનો શખ્સ, દારૂ ભરાવનાર, ગોવાથી દારૂ ભરેલી ટ્રક આપનાર અને દારૂ મંગાવનાર અજાણ્યા શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

જપ્ત કરાયેલ મુદ્દામાલ

 

 

-વિદેશી દારૂની વ્હિસ્કીની 14,640 બોટલો: રૂ. 27,37,68, આઇસર ટ્રક કન્ટેનર: રૂ. 10,00,000,મોબાઇલ ફોન: રૂ. 5,000,રોકડ રકમ: રૂ. 1,000 સહિત કુલ મુદ્દામાલ: રૂ. 37,43,680.

સુરત ગ્રામ્ય LCBની આ સફળ કામગીરીથી ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દારૂના જથ્થા પાછળ સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ તેજ બનાવી છે.

આ કામગીરીમાં જોડાયેલી પોલીસ ટીમમાં એન.જી. પાંચાણી – પોલીસ ઇન્સ્પેક્ટર, LCB સુરત ગ્રામ્ય

એ.એન. ચૌહાણ – પોલીસ સબ ઇન્સ્પેક્ટર રોહિતભાઈ બાબુભાઈ – ASI હેમંતભાઈ ઈશ્વરભાઈ – હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ માયાભાઈ – પોલીસ કોન્સ્ટેબલ.

(4:08 PM IST)