<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

સુરત SOG ની મોટી કાર્યવાહી : કરોડોની કિંમતના 'એમ્બરગ્રીસ' રેકેટનો પર્દાફાશ : પી.આઈ. જે.એમ.પરમાર અને ટીમ દ્વારા ૧.૦૭ કરોડના મુદ્દામાલ સાથે ૩ આરોપીઓ અંબરીશ, સોનુ અને સંદીપ ઝડપાયા

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને નાયબ પોલીસ કમિશનર રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એ.એસ.સોનારા અને એમ.ડી.સરવૈયાની ટીમે લાલબજારમાં વેચાણ અર્થે લાવેલું વ્હેલ માછલીનું ૧.૦૭૧ કિલો ઉલટી (એમ્બરગ્રીસ) જપ્ત કર્યું

સુરત: સુરત શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ પ્રતિબંધિત 'એમ્બરગ્રીસ' એટલે કે સ્પર્મ વ્હેલ માછલીની ઉલટીના સ્મગલિંગના એક મોટા નેટવર્કને તોડી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર વોચ રાખવાની સૂચનાને પગલે, નાયબ પોલીસ કમિશનર રાજદિપસિંહ નકુમ અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.સોનારાના સીધા માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં અંદાજે ₹૧,૦૭,૧૦,૦૦૦ ની કિંમત ધરાવતો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 

બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાં ટ્રેપ:

SOG ના પી.આઈ. જે.એમ.પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે પી.એસ.આઈ. એમ.ડી.સરવૈયા અને તેમની ટીમે ડિંડોલી વિસ્તારમાં આવેલા બીઝનેસ પ્લાઝા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ત્યાં શંકાસ્પદ હાલતમાં મળી આવેલા ત્રણ ઇસમો પાસેથી સફેદ અને લાલ કલરની પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. તેની અંદર તપાસ કરતા ૧.૦૭૧ કિલોગ્રામ વજનનું મીણ જેવું એમ્બરગ્રીસ મળી આવ્યું હતું, જેની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે.

 

ઝડપાયેલા આરોપીઓની વિગત:

પોલીસે આ ગુનામાં નીચે મુજબના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે:

૧. અમ્બ્રીશ સન ઓફ જયપ્રકાશ મિશ્રા (ઉ.વ. ૩૪): રહેઠાણ- બેસ્તાન ત્રણ રસ્તા, સુરત (મૂળ રહે. જૌનપુર, ઉત્તરપ્રદેશ).

૨. સોનુ ઉર્ફે બબલુ સન ઓફ દેવીપ્રસાદ ઉપાધ્યાય (ઉ.વ. ૪૦): રહેઠાણ- બજરંગનગર, કરડવા રોડ, ડિંડોલી (મૂળ રહે. જૌનપુર, ઉત્તરપ્રદેશ).

૩. સંદીપ સન ઓફ કૃપાશંકર ઉપાધ્યાય (ઉ.વ. ૩૫): રહેઠાણ- શ્રી નાથ સોસાયટી, ડિંડોલી (મૂળ રહે. જૌનપુર, ઉત્તરપ્રદેશ).

 

દરિયા કિનારેથી મેળવ્યો હતો જથ્થો:

પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, અંદાજે ત્રણ માસ પહેલા વોન્ટેડ આરોપીઓ કાલી કંબોઈ ખાતે માછીમારી કરવા ગયા હતા ત્યારે તેમને આ કિંમતી પદાર્થ દરિયામાંથી મળ્યો હતો. આ જથ્થો વેચાણ કરવાના ઈરાદે તેઓ સુરત લાવ્યા હતા. હાલ આ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગુજરાત ફોરેસ્ટ વિભાગ (ડુમસ) ને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

 

શું છે આ 'એમ્બરગ્રીસ'?

એમ્બરગ્રીસ એ સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાંથી ઉત્પન્ન થતો પદાર્થ છે, જેને 'ફ્લોટિંગ ગોલ્ડ' તરીકે પણ ઓળખવામાં આવે છે. પરફ્યુમ ઉદ્યોગમાં તેની ભારે માંગ હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ખૂબ જ ઊંચી હોય છે. ભારતમાં વ્હીલ માછલી સુરક્ષિત જીવ હોવાથી તેનો વેપાર વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ હેઠળ ગંભીર ગુનો બને છે.

(11:00 PM IST)