<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

સુરતની વિદ્યાર્થીનીને એમેઝોનમાં ૪૬ લાખનું પેકેજ

ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઈન્‍સ્‍ટિટયુટ ઓફ ટેકનોલોજી (CSPIT) ના કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયરિંગ વિભાગની વિદ્યાર્થિની પૂજા રામાણીએ વૈશ્વિક સ્‍તરે સફળતાનો ડંકો વગાડયો

ચાંગા,તા.૧૯: ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઈન્‍સ્‍ટિટ્‍યુટ ઓફ ટેકનોલોજી (CSPIT) ના કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયરિંગ વિભાગની વિદ્યાર્થિની પૂજા રામાણીએ વૈશ્વિક સ્‍તરે સફળતાનો ડંકો વગાડ્‍યો છે. પૂજાને વિશ્વની પ્રતિષ્ઠિત ટેકનોલોજી કંપની એમેઝોન તરફથી વાર્ષિક રૂ.૪૬.૩૮ લાખના આકર્ષક પેકેજ સાથે ફૂલ-ટાઇમ જોબની ઓફર મળી છે, જે ચારૂસેટ યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ છે.

મૂળ સુરતના મહેશભાઈ અને ગીતાબેન રામાણીની પુત્રી પૂજા રામાણીએ પોતાની આ સફળતાનો શ્રેય સખત પરિશ્રમ, સાતત્‍ય અને યુનિવર્સિટીના પ્રોત્‍સાહક વાતાવરણને આપ્‍યો છે.

પૂજાએ તેની પ્રતિભાના જોરે કોલેજના બીજા વર્ષમાં જ એમેઝોન ચેન્નાઈમાં ૨ મહિનાની પ્રતિષ્ઠિત ઇન્‍ટર્નશિપ મેળવી હતી. ત્‍યારબાદ ઉત્‍કૃષ્ટ પ્રદર્શનને આધારે ત્રીજા વર્ષમાં ફરીથી ૬ મહિનાની રીટર્ન ઇન્‍ટર્નશિપ માટે તેની પસંદગી થઈ હતી. આ ઇન્‍ટર્નશિપ દરમિયાન એમેઝોનની કોર ટીમ સાથે ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ આધારિત સોલ્‍યુશન્‍સ પર સફળતાપૂર્વક કામ કર્યા બાદ કંપની દ્વારા તેને આ મેગા પ્‍લેસમેન્‍ટ ઓફર કરવામાં આવ્‍યું છે.

પૂજા રામાણી માત્ર અભ્‍યાસમાં જ નહીં, પરંતુ અન્‍ય સહ-અભ્‍યાસિક પ્રવૃત્તિઓમાં પણ સતત સક્રિય રહી છે. તેણે AI/ML (આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ અને મશીન લર્નિગ) પર અનેક રિસર્ચ પેપર્સ તૈયાર કર્યા છે. રોબોટિક્‍સ સ્‍પર્ધાઓ, રાષ્ટ્રીય કક્ષાની હેકાથોન અને ઈનોવેશન પ્રોજેક્‍ટ્‍સમાં ઉત્‍સાહભેર ભાગ લીધો છે. તેણે યુનિવર્સિટી લેવલ સ્‍ટુડન્‍ટ કાઉન્‍સિલના સભ્‍ય તરીકે કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયરિંગ વિભાગમાં પ્રતિનિધિત્‍વ કરીને પોતાની લીડરશિપ અને મેનેજમેન્‍ટ સ્‍કીલ્‍સનો પરિચય આપ્‍યો છે.

પૂજા રામાણીએ પ્રતિભાવ આપતા કહ્યું કે આ સિદ્ધિ મારા જીવનના નવા અધ્‍યાયની શરૂઆત છે. હું મારા માતા-પિતા, પરિવારની આભારી છું. મારી ઇન્‍ટર્નશિપ દરમિયાન CSPIT ના કમ્‍પ્‍યુટર એન્‍જાિનિયરિગ વિભાગ અને ચારૂસેટ યુનિવર્સિટી તરફથી મને ખૂબ સહકાર અને પ્રોત્‍સાહન મળ્‍યું હતું. તમામ ફેકલ્‍ટી મેમ્‍બર્સ હંમેશા supportive અને motivate કરતા રહ્યા છે. તેમણે મારા માટે ઓનલાઈન કલાસીસ પણ શિડયુઅલ કરી આપ્‍યા જેથી હું ઇન્‍ટર્નશીપ અને એકેડેમિક્‍સ બંને સારી રીતે મેનેજ કરી શકી.

 પૂજાની આ સિદ્ધિ બદલ ચારૂસેટ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુરેન્‍દ્રભાઈ પટેલ, પ્રોવોસ્‍ટ ડો. અતુલ પટેલ, રજીસ્‍ટ્રાર ડો. બિનીત પટેલ, ડીન, પ્રિન્‍સિપાલ અને તમામ ફેકલ્‍ટી સભ્‍યોએ તેને હાર્દિક અભિનંદન પાઠવ્‍યા છે અને તેના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભેચ્‍છાઓ વ્‍યક્‍ત કરી છે. પૂજાની સફળતા અન્‍ય વિદ્યાર્થીઓ માટે પણ પોતાના સપના સાકાર કરવા માટે એક મોટી પ્રેરણા બનશે. પૂજાની સફળતાની સફર સ્‍પષ્ટ લક્ષ્ય, સતત સમર્પણ અને અવિરત મહેનતનું પ્રતિબિંબ છે. કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયરિંગ ફિલ્‍ડમાં એમેઝોન જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં પ્‍લેસમેન્‍ટ થવું ગૌરવપૂર્ણ ઉપલબ્‍ધિ છે, જે પ્રતિભા, ધીરજ અને શ્રેષ્ઠતા પ્રત્‍યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.

(3:55 PM IST)