<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

નવસારી જિલ્લાના એધલ ગામમાં દારૂની ખેપ મારતા ઝડપાયેલા સુરત ટ્રાફિક પોલીસના ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

નવસારી LCB પોલીસે સુરત ટ્રાફિક પોલીસના ચાર કર્મચારીઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને દારૂની હેરાફેરીના મામલે ઝડપી પાડ્યા હતા:સુરત પોલીસ કમિશનર દ્વારા ચારેય પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય

સુરત: નવસારી જિલ્લાના એધલ ગામમાં દારૂની ખેપ મારતા ઝડપાયેલા સુરત ટ્રાફિક પોલીસના ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગઈકાલે નવસારી LCB પોલીસે સુરત ટ્રાફિક પોલીસના ચાર કર્મચારીઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને દારૂની હેરાફેરીના મામલે ઝડપી પાડ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લેતાં સુરત પોલીસ કમિશનર દ્વારા ચારેય પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસકર્મીઓમાં અંકિતભાઈ કમુભાઈ દેવડા, પીન્ટુભાઈ સાજાભાઈ ડુંગાઈસા, દિતાભાઈ માવાભાઈ ચૌહાણ અને રાહુલકુમાર બાબુભાઈ ધ્રાંગીનો સમાવેશ થાય છે. આ પૈકી અંકિતભાઈ દેવડા, દિતાભાઈ ચૌહાણ અને રાહુલકુમાર ધ્રાંગી સુરત રીજિયન-2 ટ્રાફિક વિભાગમાં, જ્યારે પીન્ટુભાઈ ડુંગાઈસા રીજિયન-3 ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હતા.

આ મામલે નવસારી LCB પોલીસે ચારેય ટ્રાફિક પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વિભાગના કર્મચારીઓ જ દારૂની હેરાફેરીના મામલે ઝડપાતાં પોલીસ બેડામાં ચકચાર મચી છે. સમગ્ર ઘટનાને પગલે સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી સસ્પેન્શનની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.

 

(11:47 PM IST)