તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
સુરત વરાછા SBIની 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો : પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે યુપીના અયોધ્યા-ગોંડાથી આરોપી શુભમ ઠાકુર અને વિકાસ સિંઘને દબોચ્યા
ડીસીપી ભાવેશ રોજીયાની ટીમની મોટી સફળતા : સનસનીખેજ લૂંટના બે આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે ગોંડા કોર્ટમાં રજૂ કરાયા : સુરત પોલીસ ટૂંક સમયમાં આરોપીઓનો કબજો મેળવી વધુ પૂછપરછ હાથ ધરશે

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં થયેલી 50 લાખ રૂપિયાની મોટી લૂંટના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ (DCB)ને આંતરરાજ્ય સફળતા મળી છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઉત્તરપ્રદેશના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે.
યુપીના અયોધ્યા અને ગોંડાથી થઈ ધરપકડ
વરાછામાં બેંક લૂંટની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવી હતી. આ ગંભીર ગુનાના મૂળ સુધી પહોંચવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત કાર્યરત હતી. તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડીઓ હાથ લાગી હતી, જેના આધારે એક ટીમ ઉત્તરપ્રદેશ રવાના કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશના અયોધ્યા અને ગોંડા જિલ્લામાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ શુભમ કુમાર અજીત ઠાકુર અને વિકાસ સિંઘ અરુણ કુમાર સિંઘ તરીકે થઈ છે.
ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ
ધરપકડ કરાયેલા બંને આરોપીઓને આજે ઉત્તરપ્રદેશની ગોંડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. સુરત પોલીસ આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા માટે કાયદેસરની પ્રક્રિયા કરી રહી છે. રિમાન્ડ મંજૂર થયા બાદ આરોપીઓને સુરત લાવવામાં આવશે.
વધુ તપાસ અને પૂછપરછની તજવીજ
આરોપીઓને સુરત લાવ્યા બાદ તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ લૂંટમાં અન્ય કોઈ સ્થાનિક સાગરીતો સંડોવાયેલા છે કે કેમ અને લૂંટની રકમ ક્યાં છુપાવવામાં આવી છે તે દિશામાં પોલીસ વધુ તપાસ હાથ ધરશે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે અત્યંત ચોકસાઈપૂર્વક કામગીરી કરીને લૂંટારુઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
