તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
સુરત જળબંબાકારઃ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : શહેરમાં NDRFની ટીમ તૈનાત: શાળા-કોલેજમાં રજા
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની વધુ ત્રણ ટીમો સુરત આવવા માટે રવાના: સુરત શહેરમાંથી 1200 જેટલા લોકોનું અને જિલ્લાના અન્ય બે-ત્રણ તાલુકાઓમાંથી પણ અસરગ્રસ્ત લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર

સુરત જિલ્લામાં સવારથી જ મેઘરાજા અવિરત વરસી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે સાંજના સમયે વીડિયો બાઈટ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં સવારે 6 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યા સુધીના સમયગાળામાં જ અંદાજે 13 થી 14 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જિલ્લાના કામરેજ તાલુકામાં 16 ઇંચ અને પલસાણા તાલુકામાં રેકોર્ડબ્રેક 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદના કારણે સુરત શહેરના નીચાણવાળા અને અન્ય અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
વધુમા જણાવ્યુ હતું કે, સુરત મહાનગરપાલિકાની ટીમો સતત ફિલ્ડ પર કાર્યરત છે. આ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની એક ટીમ પણ શહેરમાં તૈનાત કરવામાં આવી છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની વધુ ત્રણ ટીમો સુરત આવવા માટે રવાના થઈ ચૂકી છે, જે ટૂંક સમયમાં બચાવ કામગીરીમાં જોડાશે.
સુરક્ષિત પગલાંના ભાગરૂપે અત્યાર સુધીમાં સુરત શહેરમાંથી આશરે 1200 જેટલા લોકોનું અને જિલ્લાના અન્ય બે-ત્રણ તાલુકાઓમાંથી પણ અસરગ્રસ્ત લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, તાપી નદી હાલમાં ભયજનક સપાટીએ નથી. આ સાથે જ ઉકાઈ ડેમની જળસપાટી પણ હાલ નિયંત્રણમાં છે અને તે ભયજનક સ્તરે પહોંચી નથી. વરસાદી માહોલ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવતીકાલે 8 જુલાઈના રોજ સુરત જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે અને રજા જાહેર કરવામાં આવી છે.
જિલ્લા કલેકટરે સૌ નાગરિકોની અપીલ કરતા કહયુ કે, હાલ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થયો છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા આવતીકાલ માટે પણ 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આથી વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોએ ખૂબ જ અનિવાર્ય અથવા તાકીદનું કામ ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું.
પાણી ભરાયા હોય તેવા વિસ્તારોથી દૂર રહેવું અને સાવચેતી રાખવી. વહીવટી તંત્રની કામગીરીમાં સહકાર આપવો. કોઈપણ આપત્તિજનક સ્થિતિ કે મુશ્કેલીના સમયે તુરંત જ વહીવટી તંત્રના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાનો અનુરોધ કર્યો છે.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
