<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

સુરતના ઉતરાણ પોલીસની મોટી સફળતા :લૂંટ અને ઘરફોડ ચોરીનો ઉકેલ્યો ભેદ: 3 આરોપીઓ ઝડપાયા

સુરતના ઉતરાણ પોલીસની મોટી સફળતા :લૂંટ અને ઘરફોડ ચોરીનો ઉકેલ્યો ભેદ: 3 આરોપીઓ ઝડપાયા

સુરત શહેરના ઉતરાણ પોલીસ મથકની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લૂંટ અને ચોરીની ઘટનાઓને અંજામ આપતી રીઢા ગુનેગારોની ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સુરત, ગ્રામ્ય અને નવસારીના 'અનડિટેક્ટ' ગુનાઓ ઉકેલી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી પોલીસને લાંબા સમયથી હાથતાળી આપતા ગુનેગારો જેલના સળિયા પાછળ ધકેલાયા છે.

સુરતની ઉતરાણ પોલીસે બાતમીદારોની સચોટ માહિતી અને અંદાજે 200 જેટલા CCTV ફૂટેજની જીણવટભરી તપાસ બાદ ઘરફોડ ચોરી અને લૂંટના ત્રણ વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ કઠોર ગામના એક મકાનમાં ઘૂસીને ઘરમાલિકને તીક્ષ્ણ ચપ્પુ બતાવી ડરાવી-ધમકાવીને લૂંટ ચલાવી હતી. પોલીસે આ મામલે મહમદખાન અને ફતેહખાન નામના બે યુવાનોની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પણ ઝડપી પાડ્યો છે. આ ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે, જેઓ માત્ર પોતાના મોજશોખ પૂરા કરવા માટે ગુનાખોરીના રસ્તે ચઢ્યા હતા.

આરોપીઓની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી. તેઓ રાત્રિના સમયે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને મોપેડની ચોરી કરતા અને ત્યારબાદ બંધ દુકાનો કે મકાનોના હેન્ડલ લોક તોડીને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. ધરપકડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરી કરેલ મોપેડ, એર પંપ, નવા કપડાં અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ મળીને કુલ રૂપિયા 55,240નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ટોળકી પકડાતા સુરત શહેર, ગ્રામ્ય અને નવસારી જિલ્લામાં નોંધાયેલા ચોરીના ગુનાઓમાં મહત્વના પુરાવા મળ્યા છે. હાલ પોલીસ આ ટોળકી દ્વારા અન્ય કોઈ વિસ્તારોમાં ગુના આચરવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં વધુ પૂછપરછ કરી રહી છે.

(7:31 PM IST)