News of Friday, 8th May 2026
સુરતની ચોકબજાર પોલીસે ઝારખંડના ચકચારી મર્ડર કેસમાં 3 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી રાજન ઉર્ફે રંજનકુમાર રાજેન્દ્ર રામને વેડ રોડ ખાતેથી દબોચ્યો : જુઓ વિડિયો
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને ડીસીપી રાઘવ જૈનની સૂચનાથી પીઆઈ એસ.ડી. રાતડા, પીઆઈ એ.એ. રાઠવા અને પીએસઆઈ વી.ટી. ડોડીયાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે હત્યારાને પકડી ઝારખંડ પોલીસને સોંપ્યો

રાજકોટ: સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સેક્ટર-01 અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, ઝોન-03 નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આર.આર. આહિર દ્વારા બહારના રાજ્યોમાં ગંભીર ગુનાઓ આચરી સુરતમાં છુપાયેલા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ચોકબજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. રાઠવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તપાસમાં હતો.
ઝારખંડ પોલીસે સુરત પોલીસનો સંપર્ક કર્યો:
ઝારખંડના બોકારો જિલ્લાના ચીરાચાસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મર્ડરના ગુનામાં સી.આર.પી.સી. કલમ-70 મુજબનો વોન્ટેડ આરોપી રાજન રામ સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતો હોવાની માહિતી ઝારખંડ પોલીસ દ્વારા પીઆઈ એસ.ડી. રાતડાને આપવામાં આવી હતી. આ માહિતીના આધારે પીએસઆઈ વી.ટી. ડોડીયા અને સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. મયુરભાઈ શૈલેષભાઈ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજીભાઈ અને કોન્સ્ટેબલ કલ્પેશભાઈ રામભાઈએ સતત બે દિવસ ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી વોન્ટેડ આરોપી રાજન ઉર્ફે રંજનકુમાર રાજેન્દ્ર રામ (ઉ.વ. 23, રહે. 144, ત્રિલોક સોસાયટી, વેડ રોડ, સુરત) ને ઝડપી પાડ્યો હતો.
રૂ. 25,000 ની ઉઘરાણીમાં મિત્રની હત્યા કરી લાશ કબ્રસ્તાનમાં દફનાવી:
આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વર્ષ 2022 માં રાજને તેના મિત્ર ખાલીક અંસારી પાસેથી હાથ ઉછીના 25,000 રૂપિયા લીધા હતા. ખાલીક વારંવાર નાણાંની ઉઘરાણી કરતો હોવાથી રાજને તેને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે પોતાના અન્ય બે મિત્રો અરબાજ ઉર્ફે આરીફ ઉર્ફે ગુડ્ડુ અખ્તર અંસારી અને સલાઉદ્દીન ઉર્ફે પ્લાગોસ ઉર્ફે લંગડા સુકરૂદ્દીન અંસારી સાથે મળીને ખાલીકને ઝારખંડના ભુરાબસ્તી પાસેના કબ્રસ્તાનમાં બોલાવ્યો હતો. ત્યાં ત્રણેયે ભેગા મળીને લોખંડના સળિયાના ઘા મારી ખાલીકની હત્યા કરી લાશને કબ્રસ્તાનમાં જ દફનાવી દીધી હતી.
હાઈકોર્ટમાં પિટિશન બાદ SIT ની રચના અને દફનાવેલું કંકાલ મળ્યું:
ખાલીક અંસારી ગુમ થવા અંગે તેના પિતાએ ઝારખંડ હાઈકોર્ટમાં સ્પેશિયલ પિટિશન દાખલ કરતા SIT ની રચના થઈ હતી. કબ્રસ્તાનમાં ખોદકામ કરતા મળેલા કંકાલના ડી.એન.એ. ટેસ્ટમાં તે ખાલીક હોવાનું સાબિત થયું હતું. આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા બે આરોપીઓએ રાજન રામની સંડોવણી હોવાનું કબૂલ્યું હતું, ત્યારથી તે સુરતમાં આવીને છુપાયો હતો. ચોકબજાર પોલીસે આ વોન્ટેડ આરોપીને પકડી પાડી ઝારખંડ પોલીસને સોંપવાની પ્રશંસનીય કામગીરી કરી છે.
કામગીરી કરનાર ટીમ:
આ સફળ કામગીરીમાં એ.એસ.આઈ. હીરેનકુમાર ભરતભાઈ, ઇન્દ્રજીતસિંહ અનોપસંગભાઈ, મયુરભાઈ શૈલેષભાઈ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજીભાઈ, પ્રવિણસિંહ દિપસિંહ, નિલેશભાઈ મયાભાઈ, રાહુલભાઈ કમલેશભાઈ, ઘનશ્યામભાઈ ગેમાભાઈ, પિયુષભાઈ બાવકુભાઈ, મહાવિરસિંહ ભીમજીભાઈ, સંજયસિંહ કરશનભાઈ, કિંજલકુમાર હરીભાઈ, રવિરાજસિંહ તરસંગભાઈ, રાજેશકુમાર પુંજાભાઈ તથા કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ કાંતિભાઈ, કલ્પેશભાઈ રામભાઈ, જીગ્નેશકુમાર જેસંગભાઈ, મહેશભાઈ મંગાભાઈ, કિશનકુમાર ગોરધનભાઈ અને ભવેશભાઈ રત્નાભાઈ જોડાયા હતા.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
