તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 18th April 2026
સુરતના કામરેજ નવાગામ નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈથી અમદાવાદ તરફ પૂરપાટ આવતી લક્ઝરી બસે ટેમ્પો, ઇકોને વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો
એક અજાણ્યા લક્ઝરી બસના ચાલકે આગળ જતાં ટેમ્પો અને કારને ટક્કર મારતા દોડધામ મચી:સદનસીબે કોઈ જાનહાનિ ન થતાંપ્રશાસને રાહતનો શ્વાસ લીધો

સુરત જિલ્લાના કામરેજ નવાગામ નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈથી અમદાવાદ તરફ જતી લેન પર મામલતદાર કચેરી સામે ગુરુવારે મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા લક્ઝરી બસના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી આગળ જતાં ટેમ્પો અને કારને ટક્કર મારતા દોડધામ મચી ગઈ હતી. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતી મુજબ, મુંબઈ તરફથી પૂરપાટ ઝડપે આવતી એક અજાણી લક્ઝરી બસના ચાલકે નવાગામ મામલતદાર કચેરી પાસે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. લક્ઝરી બસે તેની આગળ ચાલતા અશોક લેલેન્ડ ટેમ્પા નંબર: MH 15 CV 7085ને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે તેની અસરે બાજુમાં ચાલતી ઇકો કાર નંબર: GJ 05 RM 4434 પણ અડફેટે આવી ગઈ હતી.
અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ટક્કરને કારણે લક્ઝરી બસના કાચ તૂટી ગયા હતા અને વાહનોને નુકસાન થયું હતું. અકસ્માત બાદ પકડાઈ જવાની બીકે લક્ઝરી બસનો ચાલક અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસે અજાણ્યા લક્ઝરી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક કામરેજ નવાગામ નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈથી અમદાવાદ તરફ જતી લેન પર સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે હાઈવે પર ખોરવાયેલા ટ્રાફિકને હળવો કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
