News of Monday, 13th July 2026
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ વાયરસે છઠો ભોગ લીધો :બાયડ પંથકની ત્રણ વર્ષની માસુમ બાળકીએ દમ તોડ્યો
બાળકીને તાત્કાલિક વિશેષ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી :તેના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા રિપોર્ટ હજુ પેન્ડિંગ હતો.

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સેવાઓ અને તંત્ર માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના મોતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં વધુ એક ત્રણ વર્ષની બાળકીએ સારવાર દરમિયાન દમ તોડતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.
અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાંથી એક ત્રણ વર્ષની બાળકીને ગંભીર હાલતમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને તાત્કાલિક વિશેષ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા તેના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ હજુ પેન્ડિંગ હતો.
દરમિયાન સારવાર દરમિયાન બાળકીની તબિયત વધુ લથડતા તેનું મોત નીપજ્યું છે. આ દુઃખદ ઘટના સાથે હિંમતનગર સિવિલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના મૃત્યુનો આંકડો છ પર પહોંચ્યો છે. એક પછી એક વધી રહેલા બાળકોના મોતને પગલે વાલીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ અને જાગૃતિના પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. તબીબી નિષ્ણાતોના મતે તાવ કે શંકાસ્પદ લક્ષણો દેખાય કે તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો હિતાવહ છે. સરકાર અને તંત્ર દ્વારા આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
