તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
વડોદરામાં પરિણીતાનું શંકાસ્પદ મોત: સંતાન ન થતાં સાસરિયાઓએ ત્રાસ આપ્યાનો માતાનો ગંભીર આક્ષેપ
પ્રેમલગ્નના સાડા ત્રણ વર્ષ બાદ પણ સંતાન ન થતાં માનસિક અને શારીરિક ત્રાસનો આરોપ; પતિ સહિત પાંચ સામે ગુનો નોંધાયો: PM રિપોર્ટની રાહ

વડોદરા : શહેરના બાજવા વિસ્તારના આંબેડકરનગરમાં 26 વર્ષીય પરિણીતા પાયલનું શંકાસ્પદ હાલતમાં મોત થતાં વિસ્તારમાં ચકચાર મચી છે. લગ્નના સાડા ત્રણ વર્ષ બાદ પણ સંતાન ન થતાં સાસરિયાઓ દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો પિયર પક્ષે ગંભીર આક્ષેપ કર્યો છે. ઘટનાને લઈને જવાહરનગર પોલીસે પતિ સહિત પાંચ લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નાની ભાદ્રોલી ગામની પાયલે વર્ષ 2022માં સાહિલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. મૃતકની માતા ગીતાબેન પરમારના જણાવ્યા મુજબ, સંતાન ન થતાં પતિ, સાસુ, સસરા, દિયર અને નણંદ દ્વારા વારંવાર અપમાન, મેણાં અને મારઝૂડ કરવામાં આવતી હતી. પાયલે અગાઉ પોતાના નાનીને પણ આ અંગે વાત કરી હતી.
પરિવારના જણાવ્યા અનુસાર, ઘટનાના દિવસે પાયલના પતિએ ફોન પર સંતાન મુદ્દે ધમકીભરી વાત કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે પરિવારને જાણ કરવામાં આવી કે પાયલે ગળેફાંસો ખાઈ લીધો છે. હોસ્પિટલ પહોંચેલા પિયર પક્ષે આ ઘટનાને લઈને ગંભીર શંકા વ્યક્ત કરી છે.
મૃતકની માતાએ દાવો કર્યો છે કે પાયલે આપઘાત કર્યો નથી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. તેમણે ગળા પર ઈજાના નિશાન હોવાનો પણ આક્ષેપ કર્યો છે અને આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. PM રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે અને તેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
