<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા તંત્રની કવાયત : કારગિલ ચાર રસ્તાથી ચાણક્યપુરી બ્રિજ તરફ જવાનો કટ બંધ કરાયો

વાહનચાલકોને સિગ્નલ પર થતા લાંબા વિલંબમાંથી મુક્તિ મળશે અને ઇંધણની બચત થશે :પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે અત્યાર સુધીમાં નાના-મોટા 10 જેટલા કટ બંધ કરવામાં આવ્યા

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં હવે પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને AMC દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા કારગિલ ચાર રસ્તાથી ચાણક્યપુરી બ્રિજ તરફ જવાનો કટ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે.

ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કટ બંધ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકોને સિગ્નલ પર થતા લાંબા વિલંબમાંથી મુક્તિ અપાવવાનો અને ઇંધણની બચત કરવાનો છે. પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે અત્યાર સુધીમાં નાના-મોટા 10 જેટલા કટ બંધ કરવામાં આવ્યા છે, જેમાં અગાઉ પેલેડિયમ મોલ પાસેનો કટ પણ સામેલ હતો.

કારગિલ ચાર રસ્તા પાસેથી દરરોજ અંદાજે 50,000 જેટલા વાહનો પસાર થાય છે. આ કટ બંધ થવાથી વાહનોની અવરજવર વધુ સુગમ બનશે અને ટ્રાફિક જામની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. લોકોની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા કારગિલથી માત્ર 100 મીટરના અંતરે જ એક નવો કટ ફાળવવામાં આવ્યો છે, જેથી નાગરિકોને અવરજવરમાં કોઈ ખાસ મુશ્કેલી ન પડે અને ટ્રાફિકનું નિયમન વ્યવસ્થિત રીતે થઈ શકે. તંત્રના આ નિર્ણયને સ્થાનિક રહીશો પણ આવકારી રહ્યા છે.

(12:00 AM IST)