હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વલસાડમાં ચોમાસા દરમિયાન રોગચાળો અટકાવવા તંત્ર સજ્જ: 8 સમિતિઓની બેઠકમાં જિલ્લા કલેક્ટરે આપ્યા કડક નિર્દેશ
પાણીજન્ય અને વાહકજન્ય રોગો, લેપ્ટોસ્પાયરોસીસ, ટીબી, સિકલસેલ, થેલેસેમિયા, તમાકુ નિયંત્રણ તેમજ ક્લાઈમેટ ચેન્જ સંબંધિત આરોગ્ય કાર્યક્રમોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા

વલસાડ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત સંચારી રોગચાળાને અસરકારક રીતે નિયંત્રિત કરવા જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. કલેક્ટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા રોગચાળા અટકાયત અને સંકલન સમિતિ સહિત કુલ આઠ વિવિધ આરોગ્ય સમિતિઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગો, લેપ્ટોસ્પાયરોસીસ, ટીબી, સિકલસેલ, થેલેસેમિયા, તમાકુ નિયંત્રણ તેમજ ક્લાઈમેટ ચેન્જ સંબંધિત આરોગ્ય કાર્યક્રમોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટરે સંબંધિત વિભાગોના અધિકારીઓને ચોમાસામાં રોગચાળો ફેલાતો અટકાવવા માટે વધુ સઘન કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. ખાસ કરીને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સર્વેલન્સ વધારવા, સ્વચ્છતા જાળવવા અને સમયસર જરૂરી પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પાણી પુરવઠા વિભાગને પીવાના પાણીના નમૂનાઓની નિયમિત તપાસ કરવા અને ગુણવત્તા જાળવવા પણ તાકીદ કરવામાં આવી હતી.
તમાકુ નિયંત્રણ સમિતિની બેઠકમાં શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. મનોજ પટેલે આ દિશામાં અસરકારક અમલની ખાતરી આપી હતી. ટીબી ફોરમમાં દર્દીઓના સર્વેલન્સ, સારવાર અને પોષણ કિટ વિતરણની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ડોગ બાઈટ અને સ્નેક બાઈટના કેસો, મૃત્યુના બનાવો તેમજ જિલ્લાના પીએચસી, સીએચસી, સબ સેન્ટર અને અર્બન હેલ્થ સેન્ટરોને એનક્યુએએસ પ્રમાણપત્ર મેળવવાની પ્રગતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સરકારી આરોગ્ય સંસ્થાઓ માટે જમીન ફાળવણી, 15મા નાણાં પંચની ગ્રાન્ટના ઉપયોગ અને આગામી પલ્સ પોલિયો અભિયાનની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પ્રોબેશનરી આઈએએસ પિયુષ ઘટાલા, સિવિલ સર્જન ડો. ભાવેશ ગોયાણી, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. સિંઘ, ઇન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.પી. સિંઘ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિરેન પટેલ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. મનોજ પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
