તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
તાલુકા અને જિલ્લા પંચાયતમાં એકથી લઈ માત્ર છ મતની સરસાઇથી પણ થતી જીત
સ્થાનિક ચૂંટણીઓમાં હરીફ ઉમેદવારો વચ્ચે જામતો કટોકર્ટનો જંગ પરિણામ સુધી રસપ્રદ બનશે :તમામ રાજકીય પક્ષે મામૂલી સરસાઇથી ગૂમાવેલી બેઠકો જીતવા છેલ્લી ઘડી સુધીનું જોર લગાવ્યું

અમદાવાદ,તા.૨૫: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પણ સ્થાનિક સ્તરે વિધાનસભાની ચૂંટણી જેવો જ જંગ જામતો હોય છે. ૨૦૨૧માં ફક્ત એક વોટની સરસાઈથી પણ ઉમેદવારની હાર-જીત નક્કી થઈ હતી. તાલુકા પંચાયતની કુલ છ બેઠકો એવી હતી જેમાં ભાજપના પાંચ અને કોંગ્રેસના એક ઉમેદવાર માત્ર એક મત વધુ મળવાથી વિજયી થયા હતા. ૨૦૨૬ના ચૂંટણી જંગ માટે રવિવારે મતદાન યોજાય તે પૂર્વે રાજકીય પક્ષોએ મામૂલી સરસાઇથી જે બેઠકો ઉપર વિજય મળ્યો હોય તેને જાળવી રાખવા અને જેમાં હાર મળી હોય તેવી બેઠકો ઉપર વિજય મેળવવા
છેલ્લી ઘડી સુધી તાકાત લગાવી હતી. ગત ૨૦૨૧ની સ્થાનિક ચૂંટણીઓની સરખામણીમાં ૨૦૨૬ની ચૂંટણીનો જંગ વધુ મહત્વનો સાબિત થવાનો છે. જેના કારણે ભાજપ, કોંગ્રેસ અને આપ તમામ જોર અજમાવી રહ્યા છે. હરીફ પક્ષના નબળા ઉમેદવારોનું પણ વિશ્લેષણ કરીને તેવી બેઠકો ઓછી મહેનતે જીતી શકાય તેમાં વધુ પ્રચાર કરવામાં આવ્યો હતો અને પક્ષના નેતાઓની અનેક ચૂંટણી સભાઓ સતત યોજવામાં આવી હતી. તેની સાથે જ ભૂતકાળમાં ઓછા મતથી જે બેઠકો ગૂમાવી હોય તેમાં વિજય મેળવવા સંગઠનની તાકાત કામે લગાડી દઈ પ્રચારથી લઈ મતદાન સુધી મતદારો તરફેણમાં મતદાન કરે તે માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઓછી સરસાઈથી જીતેલી બેઠકો જાળવી રાખવા અને હરીફ પક્ષની આવી બેઠકો ઉપર કબજો જમાવવા માટે ભરચક પ્રયાસ થયા છે. આ માટે તેમના મતદારોની ઓળખ કરીને જે તે જ્ઞાતિ-જાતિના અગ્રણીના સંપર્ક કરાયા છે. કમિટેડ મતદારો તરફેણમાં મતદાન ન કરે તો ઓછી સંખ્યામાં કરે તે માટે પણ હજુ સુધી પેંતરા અજમાવાઈ રહ્યા છે.
રાજકોટ જિલ્લા પંચાયતની બેડલા બેઠક પર ભાજપના ઉમેદવાર સવિતાબેન ગોહેલ માત્ર છ મતથી જીત્યા હતા. મહાનગરોની સરખામણીમાં તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં આવા અનેક ઉમેદવારો હતા જેઓ એક મતથી લઇને ૩૦૦થી ૭૦૦ મત સુધીની સરસાઈથી વિજેતા થયા હોય અને ફરીથી ટિકિટ મળી હોય તેવા ઉમેદવારો માટે આ ચૂંટણી જંગ કટોકટનો બની રહ્યો છે. તો પરિણામ તેનાથી પણ વધુ રસપ્રદ બની રહેશે.(૪૦.૧૩)
માત્ર ૧ મતની સરસાઇથી વિજયી થયેલા ઉમેદવારો
* ચોટીલા તાલુકા પંચાયતની ખાટડી બેઠક પર ભાજપના નાકાભાઈ સાબલિયાની ૧ મતથી જીત
* દેડિયાપાડાની નિઘાત બેઠક પર કોંગ્રેસના અંજના વસાવાની ૧ મતથી જીત
* કડીના નંદાસણ ખાતે ભાજપના અરવિદ પરમારની ૧ મતથી
* મોરબીની આમરણ બેઠકના જાગૃતિ વાઘડિયાની ૧ મતથી જીત
* સૂત્રાપાડાની લોધાવામાં ભાજપના રામભાઈ વાઢેરની ૧ મતથી જીત
* વસોના પલાણામાં ભાજપના રિકલ પટેલની ૧ મતથી જીત
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
