<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

વડોદરામાં 17 વર્ષની સગીર વિદ્યાર્થિની સાથે વિધિના નામે તાંત્રિકે બે વખત દુષ્કર્મ આચર્યું: પાખંડી જેલહવાલે

વિદ્યાર્થિનીએ પોતાની હિંમત એકત્ર કરી અને તાંત્રિકના કૃત્યનો વીડિયોબનાવી લીધો:આ વીડિયો જ તાંત્રિકના વિનાશનું કારણ બન્યો

વડોદરા :શહેરમાં અંધશ્રદ્ધા અને પાખંડનો એક અત્યંત શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક તાંત્રિકે 17 વર્ષની સગીર વિદ્યાર્થિની સાથે વિધિના નામે બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો આરોપ લાગ્યો છે. પોલીસે આ મામલે નરેન્દ્ર ભટ્ટ નામના પાખંડી તાંત્રિકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વિદ્યાર્થિનીના માતા-પિતાએ દીકરીના ભવિષ્ય અને તેની માનસિક સ્થિતિ સુધારવા માટે તાંત્રિક નરેન્દ્ર ભટ્ટ પાસે જવાનો નિર્ણય લીધો હતો. તાંત્રિકે વિધિના નામે વિદ્યાર્થિનીને પોતાના જાળમાં ફસાવી હતી. પીડિતાના પરિવારને અંધારામાં રાખીને, તાંત્રિકે વિધિ કરવાના બહાને સગીરા પર બે વખત દુષ્કર્મ આચર્યું હતું.

આ પાખંડીના પાપનો ભાંડાફોડ ત્યારે થયો જ્યારે વિદ્યાર્થિનીએ પોતાની હિંમત એકત્ર કરી અને તાંત્રિકના કૃત્યનો વીડિયો બનાવી લીધો. આ વીડિયો જ તાંત્રિકના વિનાશનું કારણ બન્યો. પીડિતાએ આ સમગ્ર ઘટનાની જાણ પોતાના માનેલા ભાઈને કરી હતી, જેના પગલે પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પીડિતાની માતાએ તાત્કાલિક અકોટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગંભીરતા દાખવી નરેન્દ્ર ભટ્ટને દબોચી લીધો છે.

વડોદરા પોલીસ દ્વારા હવે આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. શું આ તાંત્રિકે અન્ય કોઈ મહિલાઓ કે સગીરાઓને પણ પોતાની અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી છે? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ તો નરેન્દ્ર ભટ્ટ જેલના સળિયા પાછળ છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે અંધશ્રદ્ધાનું પાલન કરવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે

(11:14 PM IST)