<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

તાપી વન વિભાગ અને WCCBનું મોટું ઓપરેશન: વન્યપ્રાણીઓના અંગોની તસ્કરીનો પર્દાફાશ : વાઘની ચામડી અને દીપડાના નખ સાથે 6ની ધરપકડ

ટોકરવા ગામના પ્રસિદ્ધ મહાકાલી મંદિર પાસેથી વાઘની એક આખી ચામડી અને એક નખ કબજે કર્યા બાદ તપાસનો દોર આગળ વધારતા તસ્કરીનું નેટવર્ક ઝડપાયું

તાપી જિલ્લામાં વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો (WCCB) એ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વન્યપ્રાણીઓના અંગોની તસ્કરી કરતા એક મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં વાઘની ચામડી અને દીપડાના નખ જેવા કિંમતી અંગો મળી આવતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી શરૂ કરી છે.

 

તાપી વન વિભાગ અને WCCB ને મળેલી ચોક્કસ માહિતીને આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ટોકરવા ગામના પ્રસિદ્ધ મહાકાલી મંદિર પાસેથી વાઘની એક આખી ચામડી અને એક નખ કબજે કરવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતા તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો અને મોટી ખેરવાણ ગામે દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી દીપડાના 11 નંગ નખ પણ મળી આવ્યા હતા. આ ઘટનાએ સાબિત કર્યું છે કે આ વિસ્તારમાં વન્યપ્રાણીઓના અંગોનો ગેરકાયદેસર વેપાર કરતી ગેંગ સક્રિય છે.

 

આ રેકેટમાં સામેલ કુલ 6 આરોપીઓને વન વિભાગે દબોચી લીધા છે. પકડાયેલા તસ્કરો સોનગઢ, સુરત અને મહારાષ્ટ્રના અક્કલકુવા વિસ્તારના હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ આંતરરાજ્ય નેટવર્ક ધરાવતા હોવાની શંકાને પગલે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. વન વિભાગે તસ્કરીમાં ઉપયોગમાં લેવાયેલા 4 વાહનો અને વન્યપ્રાણીઓના અંગો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ આરોપીઓને સોનગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં નામદાર કોર્ટે તેમની ગંભીરતાને ધ્યાને રાખી તમામના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન આ ટોળકીએ અગાઉ કેટલા શિકાર કર્યા છે અને આ અંગો ક્યાં સપ્લાય કરવાના હતા, તે અંગેના મોટા ખુલાસા થવાની શક્યતા છે. વન વિભાગ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે મહારાષ્ટ્ર પોલીસ અને અન્ય એજન્સીઓની પણ મદદ લઈ રહ્યું છે.

(10:14 PM IST)