<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

તાપીના ડોલવણના નાયબ મામલતદાર પાર્થેશકુમાર કટારા ૨૫,૦૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીની સફળ ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા : જુઓ વિડીયો

જમીન બાગાયતમાં તબદીલ કરવાની કામગીરી માટે લાંચ માંગનાર વર્ગ-૩ ના અધિકારીને પીઆઈ એસ.ડી.ધોબીની ટીમે દબોચ્યો : મદદનીશ નિયામક આર.આર.ચૌધરી અને ઇન્ચાર્જ નાયબ નિયામક બળદેવ દેસાઈના સુપરવિઝનમાં થઈ કાર્યવાહી

વ્યારા (તાપી):લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત તાપી જિલ્લાના ડોલવણ ખાતે એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા સરકારી બાબુને ઝડપી પાડવામાં આવ્યો છે. ડોલવણ તાલુકા સેવાસદન ખાતે આવેલી મામલતદાર કચેરીમાં ડિઝાસ્ટર નાયબ મામલતદાર અને હાલ મહેસુલ વિભાગનો ઇનચાર્જ સંભાળતા ૩૬ વર્ષીય પાર્થેશકુમાર નારાયણભાઇ કટારા (વર્ગ-૩) ને ફરિયાદી પાસેથી ૨૫,૦૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીની ટીમે સ્થળ પર જ રંગેહાથ પકડી પાડી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

જરાયત જમીન બાગાયતમાં ફેરવવાની એન્ટ્રી માટે માંગી હતી લાંચ:

આ ચકચારી કેસની વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે મોજે ડોલવણ કમલાપોર ગામ (તાલુકો ડોલવણ, જિલ્લો તાપી) માં આવેલી બ્લોક નંબર-૩૮ વાળી ખેતીની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરવા માટે વેચનાર પક્ષકાર પાસેથી લેખિત સંમતિ મેળવી હતી. આ જમીનને જરાયતમાંથી બાગાયતીમાં તબદીલ કરાવી તેની સત્તાવાર એન્ટ્રી કરાવવા માટે ફરિયાદીએ જરૂરી તમામ દસ્તાવેજી રેકોર્ડ સાથે ડોલવણ મામલતદાર કચેરી ખાતે અરજી સબમિટ કરી હતી. આ અરજી અન્વયે જમીન બાગાયતમાં ફેરવવાની કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવાના અવેજ પેટે આરોપી નાયબ મામલતદાર પાર્થેશકુમાર કટારાએ ફરિયાદી પાસે ૨૫,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

 

જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કર્યો અને લાંચનું છટકું ગોઠવાયું:

ભ્રષ્ટાચારી અધિકારીને લાંચના નાણાં આપવા ફરિયાદી બિલકુલ ઈચ્છતા ન હોવાથી, તેમણે તુરંત જ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો અને કચેરીમાં ચાલતા આ ખેલ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા તાકીદે આયોજન કરીને ૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ ડોલવણ સેવાસદન ખાતે લાંચના છટકા (ટ્રેપ) ની ગોઠવણ કરવામાં આવી હતી. આ ટ્રેપ દરમિયાન જેવી ફરિયાદીએ લાંચની ૨૫,૦૦૦ રૂપિયાની રકમ આરોપી પાર્થેશકુમાર કટારાને તેની ઓફિસમાં આપી, કે તુરંત જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીની ટીમે ત્રાટકીને લાંચની સ્વીકારેલી આખેઆખી રકમ સાથે આરોપીને ઓફિસમાંથી જ દબોચી લીધો હતો.

 

ઉચ્ચ આઈપીએસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા એજન્સીની કાર્યવાહી:

સરકારી કચેરીમાં જનતાને હેરાન કરતા ભ્રષ્ટાચારના આ નેટવર્કને ખુલ્લું પાડવાની આખી કામગીરી સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ધોબી તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ આખી સફળ ટ્રેપનું સીધું સુપરવિઝન એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર ઓપરેશનના ઇન્ચાર્જ અધિકારી તરીકે વડોદરા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરીના આઈપીએસ (IPS) અને નાયબ નિયામક બળદેવ દેસાઈ કાર્યરત હતા. એસીબીના આ સફળ દરોડાને પગલે તાપી જિલ્લાના સરકારી વહીવટી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(6:35 PM IST)