તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
સુરતના વરાછાની હરિધામ સોસાયટીમાં ધમધમતા 'હોટ ફિક્સિંગ' એકમ પર ટાસ્ક ફોર્સનો દરોડો: 23 બાળકોને મુક્ત કરાવાયા
માસૂમ બાળકો પાસે જોખમી કામ કરાવી તેમના ભવિષ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી:અત્યંત કેમિકલયુક્ત અને જોખમી કામમાં જોતરાયેલા કુલ 23 જેટલા કિશોરોને ટીમે સહીસલામત મુક્ત કરાવ્યા

સુરત :ડાયમંડ સિટી સુરતમાં બાળ મજૂરોને મુક્ત કરાવવા માટેની કડક કામગીરી સતત યથાવત રાખવામાં આવી છે. તાજેતરમાં રાજસ્થાન પોલીસે કરેલી એક મોટી કામગીરી બાદ સુરત જિલ્લાની ટીમ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી અને વરાછા વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો.
સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા શહેરમાં બાળમજૂરી નાબૂદ કરવા માટે એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટીમે વરાછા રોડ પર આવેલી હરિધામ સોસાયટીમાં ધમધમતા 'હોટ ફિક્સિંગ' (કાપડ પર નંગ ચોંટાડવા) ના એક એકમ પર અચાનક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન હોટ ફિક્સિંગના અત્યંત કેમિકલયુક્ત અને જોખમી કામમાં જોતરાયેલા કુલ 23 જેટલા બાળકો અને કિશોરોને ટીમે સહીસલામત મુક્ત કરાવ્યા હતા.
મુક્ત કરાવવામાં આવેલા બાળકોમાં 12 છોકરાઓ અને 11 છોકરીઓનો સમાવેશ થાય છે, જેમની ઉંમર 14 થી 18 વર્ષની વચ્ચેની હોવાનું જાણવા મળ્યું છે. આ માસૂમો મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનના વતની છે. ચોંકાવનારી બાબત એ છે કે આ બાળકો છેલ્લા એકથી બે મહિનાથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એટલે કે સતત 9 કલાક સુધી જોખમી કામ કરતા હતા. આટલી આકરી મજૂરી સામે તેમને મહિને માત્ર 5 હજાર રૂપિયા જેટલો જ નજીવો પગાર આપવામાં આવતો હતો. પોલીસે આ મામલે કારખાના સંચાલકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
