<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

દાહોદમાં શિક્ષકે ધોરણ 5ના વિદ્યાર્થીને લાકડીથી બેફામ માર માર્યો: વાલીઓમાં રોષ

બાળકના શરીર તથા પગમાં ઇજાના ગંભીર નિશાનઃ જવાબદાર સામે દાખલા રૂપ પગલાની માંગ

અમદાવાદઃ  જિલ્લાના લીમખેડા તાલુકામાંની પીએમશ્રી તાલુકા શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ધોરણ 5 માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થી પર શિક્ષકે લાકડી વડે બેફામ માર માર્યો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે બાળકના શરીર અને પગ પર ઈજાના ગંભીર નિશાન સ્પષ્ટપણે ઉભરી આવ્યા છે.

 

આ અમાનવીય કૃત્યને કારણે માસૂમ બાળકના પરિવારજનો અને સ્થાનિક વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વિદ્યાર્થીના પિતાએ મીડિયા સમક્ષ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમનો બાળક શાળાએ ગયો હતો અને ઘરે પરત ફર્યા બાદ તેના શરીર પર મારના નિશાન જોવા મળ્યા હતા. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેમથી સમજાવવાને બદલે આ પ્રકારે ઢોર માર મારવો તે અત્યંત નિંદનીય છે.

 

સમગ્ર ઘટનાને પગલે શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. વાલીઓ અને ગ્રામજનો દ્વારા આ માસૂમ બાળક પર અત્યાચાર ગુજારનાર ક્રૂર શિક્ષક સામે વહેલી તકે કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ આ ગંભીર મામલે તાત્કાલિક ધોરણે ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરે અને જવાબદાર શિક્ષક સામે દાખલારૂપ પગલાં ભરે તેવી વાલીઓની પ્રબળ રજૂઆત છે.

(4:00 PM IST)