News of Monday, 29th June 2026
નિકોલની સ્કૂલમાં શિક્ષકે કોઈ કારણ વગર વિદ્યાર્થીને લાફો માર્યો
કાનનો પડદો ફાટી જતાં ફરિયાદ દાખલઃઅમદાવાદના નિકોલની ચાણક્ય સ્કૂલમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતા ડાબા કાનનો પડદો ફાટી ગયો

અમદાવાદ : શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ પર થતા અત્યાચારની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા નૈતિક(નામ બદલ્યું છે) નામના વિદ્યાર્થીને એક શિક્ષકે કોઈ પણ કારણ વગર જોરદાર લાફો મારી દેતા, વિદ્યાર્થીના ડાબા કાનનો પડદો ફાટી ગયો છે. આ ગંભીર મામલે બાળકના પિતાએ ન્યાય માટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નિકોલમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતો નૈતિક(નામ બદલ્યું છે) નામનો વિદ્યાર્થી જ્યારે પી.ટી. (PT)ના પિરિયડ દરમિયાન મેદાનમાં અન્ય મિત્રો સાથે બેઠો હતો, ત્યારે એક શિક્ષકે તેને કોઈ પણ કારણ વગર જોરદાર લાફો મારી દીધો હતો. આ ઉગ્ર પ્રહારના કારણે વિદ્યાર્થીના ડાબા કાનમાં બહેરાશ આવી ગઈ હતી. તબીબી તપાસ દરમિયાન તબીબોએ કાનનો પડદો ફાટી ગયો હોવાની તેમજ લોહી અને સોજો આવી ગયા હોવાની પુષ્ટિ કરી છે, જેના કારણે ભવિષ્યમાં ઓપરેશન કરાવવાની પણ નોબત આવી શકે છે. આ ગંભીર મામલે બાળકના પિતા રમેશભાઈએ ન્યાય મેળવવા અને અન્ય કોઈ બાળક સાથે આવું ન થાય તે માટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શનિવારે સવારે શાળામાંથી ફોન આવ્યો હતો કે તમારા દીકરાને લાફો વાગવાથી તે રડી રહ્યો છે, માટે તેને ઘરે લઈ જાવ. જ્યારે પીડિતના માતા-પિતા શાળાએ પહોંચ્યાં ત્યારે નૈતિકની હાલત અત્યંત ખરાબ હતી અને તેને ડાબા કાને સંભળાવાનું બંધ થઈ ગયું હતું. આ અંગે જ્યારે આચાર્યને પૂછવામાં આવ્યું ત્યારે ખુલાસો થયો કે મેદાનમાં જ્યારે ૧૦-૧૨ વિદ્યાર્થીઓ સામાન્ય વાતચીત કરી રહ્યા હતા, ત્યારે ઇંગ્લિશ મીડિયમના શિક્ષક લક્ષ્મણભાઈએ ત્યાં આવીને નૈતિકને ઊભો કરી જોરદાર લાફો ઝીંકી દીધો હતો.
નૈતિક પોતે ગુજરાતી મીડિયમમાં ભણે છે અને આ શિક્ષક સાથે તેને કોઈ લેવાદેવા પણ નથી. ઘટના બાદ નૈતિકને તાત્કાલિક ઈ.એન.ટી. (ENT) સર્જન પાસે લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે જણાવ્યું કે કાનનો પડદો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે અને તેમાં કાણું પડી ગયું છે. અઠવાડિયા કે ૧૦ દિવસના ઓબ્ઝર્વેશન બાદ જો રિકવરી નહીં આવશે, તો કાનનું ઓપરેશન કરાવવું પડે તેવી શક્યતા છે. આ ઘટના બાદ આજે સોમવારે સવારે જ્યારે વાલી અને શાળાના ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ, ત્યારે ટ્રસ્ટી મંડળ અને લાફો મારનાર શિક્ષક લક્ષ્મણભાઈ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જો કે, પીડિત વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે સ્કૂલ વહીવટીતંત્ર ભલે તેમની સાથે હોવાનો દાવો કરતું હોય, પણ કોઈ પણ બાળકના ભવિષ્ય સાથે આ પ્રકારે ચેડાં ચલાવી શકાય નહીં.
કૃષ્ણનગર પોલીસે જણાવ્યું કે શિક્ષક દ્વારા બાળકને લાફો મારવામાં આવ્યો હોવાની ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે આરોપી શિક્ષક વિરૃદ્ધ જરૃરી અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે. નિયમો અને ધારાધોરણો મુજબ આ ગુનાની આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવશે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
