<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

સુરતમાં વસ્તી ગણતરીની કામગીરીનો શિક્ષકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો: “શૈક્ષણિક કાર્ય ખોરવાશે, ઉનાળુ વેકેશનમાં ફરજ બજાવવી અયોગ્ય” - રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કામગીરીમાંથી મુક્તિ આપવાની કરી માંગ

વસ્તી ગણતરીની તાલીમ અને ફિલ્ડ વર્ક માટે શિક્ષકોની નિમણૂક થતાં સુરતના શિક્ષક આલમમાં રોષ, RTE એક્ટ હેઠળ બિન-શૈક્ષણિક કામમાંથી મુક્તિ આપવાની જોગવાઈનો હવાલો આપ્યો, શિક્ષણ કાર્યને અસર થશે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થશે તેવો આક્ષેપ

સુરત તા.૩૦ :  આગામી વસ્તી ગણતરીની કામગીરી માટે શિક્ષકોની નિમણૂક કરવાના નિર્ણય સામે સુરતના શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકોએ આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો

રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, હાલ શાળાઓમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને જૂન મહિનામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે. આ સમયે શિક્ષકોને વસ્તી ગણતરીની તાલીમ અને ત્યારબાદ ફિલ્ડ વર્કની કામગીરી સોંપવામાં આવી છે. જેના કારણે શાળા શરૂ થતાં જ શૈક્ષણિક કાર્ય ખોરવાશે અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડશે

શિક્ષક અગ્રણીઓએ રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ 2009ની કલમ 27નો હવાલો આપતાં કહ્યું કે, "કાયદા મુજબ શિક્ષકોને વસ્તી ગણતરી, ચૂંટણી અને આપત્તિ વ્યવસ્થાપન સિવાયની કોઈપણ બિન-શૈક્ષણિક કામગીરીમાં જોડી શકાય નહીં. વસ્તી ગણતરી ચૂંટણી સાથે સંકળાયેલી પ્રક્રિયા નથી. દર વખતે શિક્ષકોને જ આ પ્રકારની કામગીરી સોંપી દેવામાં આવે છે, જેનાથી બાળકોના શિક્ષણનું સ્તર કથળે છે."

1. *તાત્કાલિક મુક્તિ:* વસ્તી ગણતરીની કામગીરીમાંથી તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.  

2. *વૈકલ્પિક વ્યવસ્થા:* આ કામગીરી માટે બેરોજગાર યુવાનો, નિવૃત્ત કર્મચારીઓ અથવા અન્ય વિભાગના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે.  

3. *શૈક્ષણિક નુકસાન:* નવું સત્ર શરૂ થતાં જ શિક્ષકો ફિલ્ડમાં હશે તો એકમ કસોટી, પ્રવેશોત્સવ અને નવો અભ્યાસક્રમ શરૂ કરવાની કામગીરી ખોરવાશે

શિક્ષક મહાસંઘે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડ્યે વસ્તી ગણતરીની કામગીરીનો બહિષ્કાર પણ કરવામાં આવશે. 

જિલ્લા શિક્ષણ તંત્રે જણાવ્યું કે શિક્ષકોની રજૂઆત ઉપલા અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવશે અને સરકારના નિયમો મુજબ જે યોગ્ય હશે તે નિર્ણય લેવાશે. હાલ સુરત જિલ્લામાં 3500થી વધુ શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરી માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે.

(3:28 PM IST)