તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
અમદાવાદમાં એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો રોમાંચક અને જુઝારુ મુકાબલો : રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
ફાઇનલ સેટની કાંટાની ટક્કરમાં ઇન્ડોનેશિયા સામે ભારતનો મામૂલી અંતરે પરાજય, પરંતુ યુવા ખેલાડીઓની રમતભાવના દેશના કરોડો રમતપ્રેમીઓ માટે ગૌરવ સમાન : વૈશ્વિક સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરતું અમદાવાદ

ગાંધીનગર:અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શનિવારે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની રોમાંચક સેમિફાઇનલ મેચ રમાઈ ગઈ હતી. આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ઉપમુખ્યમંત્રી તેમજ ગૃહ અને રમતગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને ભારતીય ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. હાઉસફુલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય વોલીબોલ ટીમે પ્રેરણાદાયી અને શાનદાર ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું, જેને જોઈને અમદાવાદ અને આસપાસના શહેરોમાંથી આવેલા હજારો રમતપ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો.
ગુજરાતના અદભુત આતિથ્ય સત્કારની વૈશ્વિક સ્તરે મુક્તકંઠે પ્રશંસા:
આ વૈશ્વિક ટુર્નામેન્ટના સફળ આયોજન અંગે વાત કરતા રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ આખી ટુર્નામેન્ટ દરમિયાન અમદાવાદ અને સમગ્ર ગુજરાતના રમતપ્રેમીઓએ જે અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો છે તે ખરેખર અદભુત છે. મેચ શરૂ થવાના એક-બે કલાક પહેલા જ હજારોની સંખ્યામાં દર્શકોથી સ્ટેડિયમ સંપૂર્ણ હાઉસફુલ થઈ જતું હતું, જે દર્શાવે છે કે ભારત અને ખાસ કરીને ગુજરાતના રમતજગતમાં એક મોટો અને હકારાત્મક બદલાવ આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગઈકાલે જ્યારે તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાના રમત અધિકારીઓને મળ્યા, ત્યારે તમામ વિદેશી મહાનુભાવોએ ગુજરાતની ધરતી પર મળેલા અદભુત આતિથ્ય-સત્કાર અને ઉષ્માભર્યા સ્વાગતના મુક્તકંઠે વખાણ કર્યા હતા.
એક પણ મેચ હાર્યા વગર સેમિફાઇનલ સુધી પહોંચી ટીમ ઇન્ડિયા, હવે વર્લ્ડ કપની તૈયારી:
ભારતીય વોલીબોલ ટીમના પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આપણી ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ અને સર્વોચ્ચ કક્ષાની રમત રમી છે. ટીમ ઇન્ડિયા એક પણ મેચ હાર્યા વિના સંપૂર્ણ દબદબા સાથે સેમિફાઇનલ સુધી પહોંચી હતી. જોકે, ફાઇનલ સેટની અત્યંત રોમાંચક અને કાંટાની ટક્કર વાળી ક્ષણોમાં આપણી ટીમને મામૂલી અંતરથી હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ મેદાન પર યુવા ખેલાડીઓએ જે જુઝારુ મિજાજ અને અદભુત રમતભાવનાનો પરિચય આપ્યો છે તે દેશના કરોડો રમતપ્રેમીઓ માટે ગૌરવ સમાન છે. આ ચેમ્પિયનશિપમાં ભારતના યુવા ખેલાડીઓએ બતાવેલી રમત દેશના અન્ય વિવિધ રમતો સાથે જોડાયેલા યુવાનો માટે મોટો પ્રેરણાસ્રોત બનશે. તેમણે તમામ ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ હારથી નિરાશ થયા વિના ભારતીય ટીમ આગામી દિવસોમાં વધુ મજબૂત પ્રદર્શન સાથે વર્લ્ડ કપની તૈયારીઓમાં જોરશોરથી જુટી જશે. અમદાવાદ હવે વૈશ્વિક સ્તરે અગ્રેસર સ્પોર્ટ્સ સિટી તરીકે મજબૂતીથી ઉભરી રહ્યું છે.
વૈશ્વિક ટુર્નામેન્ટના સાક્ષી બન્યા રમતજગતના અગ્રણીઓ:
અમદાવાદમાં રમાયેલી આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે રમતજગતના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એશિયન વોલીબોલ પરિસંઘ (AVC) ના પ્રમુખ રેમોન સુજારા, નિયંત્રણ સમિતિના પ્રમુખ હ્યુજ ગ્રહામ, ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન (GSVA) ના પ્રમુખ એન. જી. પટેલ તેમજ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના ધરમસિંહ દેસાયી સહિત રમતગમત વિભાગના ઉચ્ચ પદાધિકારીઓ અને રમતજગતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
