<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

પત્નીને , “તું મને પસંદ નથી” કહી ઘર છોડીને જવા માટે કહ્યું.: પતિ અને સાસુના કથિત ત્રાસથી હેરાન મહિલાની વહારે આવ્યું 181 અભયમ નર્મદા

અસરકારક કાઉન્સેલિંગથી પારિવારિક વિવાદનું સુખદ નિરાકરણ

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાની એક પરિણીત મહિલાએ પતિ અને સાસુ સાથેના પારિવારિક વિવાદ તેમજ કથિત માનસિક અને શારીરિક હેરાનગતિથી પરેશાન થઈ મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. મહિલાએ પતિ તેને સારી રીતે રાખતા ન હોય, “તું મને પસંદ નથી” કહી ઘર છોડીને જવા માટે કહેતા હોય તથા સાસુ સાથે મળીને તેની સાથે વારંવાર ઝઘડો અને હેરાનગતિ કરતા હોવાની રજૂઆત કરી હતી.
મહિલાની રજૂઆત મળતાં જ 181 અભયમની રાજપીપળા ટીમે તાત્કાલિક પ્રતિસાદ આપી ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે સૌપ્રથમ મહિલાની વાત સંવેદનશીલતાપૂર્વક સાંભળી તેની પરિસ્થિતિ અંગે જરૂરી માહિતી મેળવી હતી. ત્યારબાદ પતિ અને સાસુની પણ વાત સાંભળી સમગ્ર પારિવારિક પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મહિલાએ અભયમ ટીમને જણાવ્યું હતું કે તેના લગ્નને આશરે 11 મહિના થયા છે અને તેણે પ્રેમલગ્ન કર્યા હતા. પતિ સાથે ખેત મજૂરી કરી બંને બહારગામ રહેતા હતા. મજૂરીનો પગાર મળ્યા બાદ ઘરે પરત ફર્યા પછી સાસુ તેને ઘરમાં પ્રવેશવા દેતા ન હોય રસોઈ બનાવવા તથા ઘરના કામકાજમાં ભાગ લેવા પણ રોકતા હોવાની મહિલાએ રજૂઆત કરી હતી. મહિલાના જણાવ્યા મુજબ, તેને ઘરની બહાર રહેવા માટે કહેવામાં આવતું હતું અને ભોજન પણ બહાર આપવામાં આવતું હતું.
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી તેને જમવાનું આપવામાં આવ્યું ન હતું અને ન્હાવા માટે પાણી લેવા પણ દેવામાં આવતું ન હોવાથી તેને નદી પર જઈને ન્હાવું પડતું હતું. ઘરના પૈસા પતિ પાસે જ રહેતા હોવાથી પોતાના જરૂરી ખર્ચ માટે પણ મુશ્કેલી પડતી હોવાનું તેણે જણાવ્યું હતું. પતિ વારંવાર “તું મને પસંદ નથી, અહીંથી જતી રહે” કહીને માનસિક ત્રાસ આપતા હોવાનું તેમજ સાસુ સાથે મળીને તેને પરેશાન કરવામાં આવતી હોવાની પણ મહિલાએ રજૂઆત કરી હતી.
મહિલાની રજૂઆતને ધ્યાનમાં લઈને 181 અભયમ ટીમે બંને પક્ષોનું વિગતવાર કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમ દ્વારા બંને પક્ષોને શાંતિપૂર્વક એકબીજાની વાત સાંભળવા અને પારિવારિક મતભેદોનું નિરાકરણ સમજણ તથા સંવાદ દ્વારા લાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાની સુરક્ષા, સન્માન અને કાયદાકીય અધિકારો અંગે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી.
અભયમ ટીમ દ્વારા બંને પક્ષોને ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ, ૨૦૦૫ અંગે સરળ ભાષામાં કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. મહિલાને સમજાવવામાં આવ્યું હતું કે શારીરિક હેરાનગતિ ઉપરાંત સતત અપમાન, ધમકી, માનસિક દબાણ અથવા આર્થિક રીતે નિયંત્રણ જેવી વર્તણૂક પણ કાયદાની દૃષ્ટિએ ગંભીર બની શકે છે. આવી પરિસ્થિતિમાં મહિલાને કાયદાકીય રક્ષણ અને યોગ્ય સહાય મેળવવાનો અધિકાર છે. જરૂરિયાત જણાય તો સંબંધિત કાયદાકીય તથા સરકારી સહાય મેળવવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી.
181 અભયમ ટીમના અસરકારક કાઉન્સેલિંગ અને સમજાવટ બાદ પતિ તથા સાસુ દ્વારા મહિલાની સાથે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય અને યોગ્ય રીતે વર્તન કરવામાં આવે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજણ કેળવાયા બાદ જરૂરી લખાણ લેવામાં આવ્યું હતું અને બંને પક્ષોની સંમતિથી પારિવારિક વિવાદનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

(10:43 PM IST)