તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
વડોદરામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર :આખું શહેર ભઠ્ઠીની જેમ શેકાયુ :બપોરે રસ્તાઓ સુમસામ
ગરમી વધતાની સાથે જ વડોદરાની હોસ્પિટલોમાં સામાન્ય ફ્લૂ, ઝાડા-ઊલ્ટી અને ડિહાઇડ્રેશનના કેસોમાં નોંધપાત્ર વધારો

વડોદરામાં તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ ને વટાવી જતાં આખું શહેર ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યું છે. સવારે 10 વાગ્યાથી જ શરૂ થતો લૂનો પ્રકોપ મધ્યરાત્રિ સુધી યથાવત રહે છે, જેના કારણે બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની છે.
શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતા 74 વર્ષીય કમુબેન પરમારને અસહ્ય ગરમીના કારણે અચાનક ગભરામણ થઈ હતી. તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેઓનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી મોતનું ચોક્કસ કારણ જાણવાની તજવીજ હાથ ધરાઈ છે.
ગરમી વધતાની સાથે જ વડોદરાની હોસ્પિટલોમાં સામાન્ય ફ્લૂ, ઝાડા-ઊલ્ટી અને ડિહાઇડ્રેશનના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલની જનરલ OPDમાં દર્દીઓની સંખ્યા વધી છે.
- હીટ સ્ટ્રોક વોર્ડ: સંભવિત કટોકટીને પહોંચી વળવા હોસ્પિટલ તંત્ર દ્વારા ખાસ 'હીટ સ્ટ્રોક વોર્ડ' તૈયાર કરવામાં આવ્યો છે.
- તંત્રની સજ્જતા: ઈનચાર્જ RMO ડો. જાગૃતિ ચૌહાણે જણાવ્યું હતું કે, "હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ જો દર્દીઓ વધશે તો હોસ્પિટલ તમામ સુવિધાઓ સાથે સજ્જ છે."
સાંજે 7 વાગ્યા સુધી ફૂંકાતા ગરમ પવનોને કારણે લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ જોવા મળે છે.
SSG હોસ્પિટલના તબીબોએ નાગરિકોને નીચે મુજબની તકેદારી રાખવા સૂચન કર્યું છે:
- બપોરના સમયે કામ વગર ઘર કે ઓફિસની બહાર જવાનું ટાળવું.
- શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા સતત પ્રવાહી અને ORS લેતા રહેવું.
- ઢીલા અને આછા રંગના સુતરાઉ કપડાં પહેરવા.
- બહાર જતી વખતે માથું ઢાંકીને રાખવું અને સનગ્લાસનો ઉપયોગ કરવો.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
