તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Sunday, 5th July 2026
સુરતના પાંડેસરા વિસ્તારમાં અચાનક જમીન બેસી જતાં ટેમ્પો ખાડામાં ખાબક્યો
ટેમ્પોના પાછળના ટાયર આખા ખાડામાં ગરકાવ થઈ ગયા હતા અને વાહન એકતરફ નમી ગયું: ચોમાસા પૂર્વે કરવામાં આવેલી કામગીરી અને રોડની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઉભા થયા

સુરત : શહેરમાં હાલ ચોમાસાની સિઝન અને ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ રોડ-રસ્તા બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, જ્યાંથી પસાર થતો એક આઇશર ટેમ્પો અચાનક જમીનમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટના સમયે ટેમ્પો ચાલક પણ અંદર જ હતો, પરંતુ તેણે સમયસૂચકતા દાખવીને તાત્કાલિક બહાર નીકળી જતાં એક મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં રોડની હાલત અત્યંત ખરાબ હતી. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે રસ્તો કાદવ-કીચડમાં ફેરવાઈ ગયો હતો. જ્યારે ટેમ્પો ચાલક આ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રસ્તાનું નીચેનું પડ નરમ હોવાને કારણે અચાનક રોડ બેસી ગયો હતો. ટેમ્પોના પાછળના ટાયર આખા ખાડામાં ગરકાવ થઈ ગયા હતા અને વાહન એકતરફ નમી ગયું હતું. આ ઘટનાને જોતા જ આસપાસના લોકો પણ હેબતાઈ ગયા હતા.
શહેરમાં અવાર-નવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા પૂર્વે કરવામાં આવેલી કામગીરી અને રોડની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારના રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે, જેથી કોઈ નિર્દોષ નાગરિક ભવિષ્યમાં આવી ઘટનાનો ભોગ ન બને.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
