તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 8th November 2026
સુરતમાં ફ્રી હોલિવૂડ મૂવી જોવાની લાલચ પડી ભારે: ફેક એપ ડાઉનલોડ કરતા આધેડના ખાતામાંથી ૮૦ હજાર ગાયબ
ઇન્સ્ટાગ્રામ પર 'ટ્યુબી ટીવી' ની લાલચામણી જાહેરાત જોઈને એપીકે ફાઇલ ડાઉનલોડ કરનાર બેંક ઓફ બરોડાના ગ્રાહક સાથે સાયબર ફ્રોડ

સુરત: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સાયબર ઠગાઈની એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં સોશિયલ મીડિયા પર ફ્રીમાં હોલિવૂડ મૂવીઝ જોવાની લાલચ એક આધેડ નાગરિકને ભારે પડી ગઈ છે. ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરવાના ચક્કરમાં તેમણે પોતાની મહેનતની કમાણીના ૮૦ હજાર રૂપિયા ઓનલાઈન છેતરપિંડીમાં ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનાથી સોશિયલ મીડિયા પર ચાલતી લોભામણી જાહેરાતો સામે સાવચેતી રાખવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.
મૂળ ભાવનગર જિલ્લાના વલભીપુરના વતની અને હાલ જહાંગીરાબાદ કેનાલ રોડ પર રહેતા ૪૮ વર્ષીય આધેડ ગત ૩૦ મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા, તે દરમિયાન તેમને 'Tubi TV' નામે એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી હોલિવૂડ મૂવીઝ ફ્રીમાં જોઈ શકાશે તેવી લોભામણી જાહેરાત જોવા મળી હતી. આ એડવર્ટાઇઝમેન્ટથી આકર્ષાઈને તેમણે તરત જ પોતાના ફોનમાં આ નકલી એપ ડાઉનલોડ કરી લીધી હતી. એપ ડાઉનલોડ કર્યાના બીજા દિવસે જ્યારે તેમણે બેંક ઓફ બરોડા (BOB) ના ખાતામાંથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સાચો પિન નંબર નાખવા છતાં ટ્રાન્ઝેક્શન સતત 'ફેલ' બતાવી રહ્યું હતું.
આ ટેકનિકલ ખામી લાગતા તેમને શંકા ગઈ હતી અને ત્યારબાદ ૨ જૂનના રોજ જ્યારે તેમણે બેંકમાં જઈને ખાતાની તપાસ કરાવી ત્યારે તેમને મોટો આઘાત લાગ્યો હતો. તેમના બેંક ખાતામાંથી કોઈ અજાણ્યા સાયબર ઠગે પરાણે ૮૦ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા અને ખાતામાં માત્ર ૫૫૯.૭૪ રૂપિયા જ બાકી બચ્યા હતા. આ મામલે પીડિત દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
તાજેતરના સમયમાં આ પ્રકારે ફેક એપ અને એપીકે ફાઇલો દ્વારા માલવેર ઇન્સ્ટોલ કરીને બેંક ખાતા ખાલી કરી નાખવાના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાયબર ફ્રોડ બાદ સુરત પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર અજાણી લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી દૂર રહેવું અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ત્વરિત ફરિયાદ નોંધાવવી, જેથી છેતરપિંડી કરનાર ગઠિયાઓ સુધી પહોંચી શકાય.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
