<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

ભાડૂઆત બનાવટી ભાગીદારીના અંચળા હેઠળ મિલકત પેટા-ભાડે આપી શકે નહીં

ભાડૂઆત દ્વારા ભાડા હેઠળની મિલકત અન્‍ય કોઈ ત્રાહિત વ્‍યકિતને પેટા-ભાડે આપવાના આ કેસમાં મૂળ ભાડૂઆતનું અવસાન થતાં તેમના કાનૂની વારસોએ મકાન માલિકની સંમતિ વિના ત્રાહિત વ્‍યકિત એવા પ્રતિવાદી નં. ૨ ને મિલકત પેટાભાડે આપી હતી અને તેમ હોઈ, પેટા-ભાડે આપવાના આધારે મકાન માલિકે મિલકત ખાલી કરાવવાનો દાવો દાખલ કર્યો હતો. પ્રતિવાદીઓએ પોતે પ્રતિવાદી નં. ૨ સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યાની તેમજ પ્રતિવાદીઓ નં. ૧ પૈકીના અમુક કથિત ભાગીદારીના ધંધામાં સક્રીય હોવાની તથા નોંધપાત્ર હિસ્‍સો ધરાવતાં હોવાની રજૂઆત લીધી હતી અને તેના આધારે દલીલ કરી હતી કે, ભાગીદારી હેઠળ ભાડાવાળી જગ્‍યામાં ધંધો કરતાં હોવાથી એવું કહી શકાય નહીં કે, મૂળ ભાડૂઆતના કાનૂની વારસોએ ભાડાની મિલકતનો કબજો પેટા-ભાડૂઆતને સોંપ્‍યો હતો. કથિત બચાવનો અસ્‍વીકાર કરતા તેમજ નીચલી બંને કોર્ટોના તારણોને બહાલી આપતા માનનીય હાઈકોર્ટે ઠરાવ્‍યું હતું કે, રેકર્ડ ઉપરના દસ્‍તાવેજી પુરાવાઓની તપાસ ઉપરથી મિલકત પેટાભાડે અપાયાનો સ્‍પષ્ટ કેસ બને છે, કારણ કે, દાવાવાળી મિલકતોન અનન્‍ય કબજો પ્રતિવાદી નં.૨ (પેટા-ભાડૂઆત) પાસે છે, કે જેઓ આક્ષેપિત ભાગીદારીના ધંધા ઉપર સંપૂર્ણ નિયંત્રણ પણ ધરાવે છે.

 (સંદર્ભઃ ધીરજલાલ પ્રભુદાસ વારિયા વિ. સુશીલાબેન નટવરલાલ કોટેચા  ગુજરાત હાઈકોર્ટ  જુલાઈ ૨૦૨૫) (૨૦૨૫ લોસ્‍યુટ (ગુજરાત) ૧૪૪૨)

(10:22 AM IST)