<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

વડોદરાના સાવલીના ખોખર ગામે ગૌશાળામાં તોડફોડ બાદ તણાવપૂર્ણ માહોલ

ગ્રામસભામાં મહિલાઓએ મહારાજ સામે ગંભીર આક્ષેપો કર્યા:મંદિરની જમીનનો ઠરાવ રદ કરવા ગ્રામજનોએ માંગ કરી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખોખર ગામમાં ગૌશાળામાં તોડફોડની ઘટના બાદ પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે. ગૌશાળામાં થયેલી તોડફોડના મામલે આખા ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને પગલે ગામમાં એક વિવાદાસ્પદ અને મહત્વપૂર્ણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગુસ્સે ભરાયેલા ગ્રામજનો અને ખાસ કરીને મહિલાઓ ઉમટી પડી હતી. ગ્રામસભા દરમિયાન મંદિરના મહારાજ (સંત) વિરૂદ્ધ ગ્રામજનોએ આક્રોશ ઠાલવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

 

ખોખર ગામની મહિલાઓએ ગ્રામસભામાં મંદિરના મહારાજ સામે અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. મહિલાઓનો આક્ષેપ છે કે, મહારાજ ગામમાં અર્ધનગ્ન હાલતમાં ફરે છે, જે અશોભનીય છે. આ ઉપરાંત, ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, મહારાજ દ્વારા કોઈ પણ પ્રકારની વહીવટી મંજૂરી (પરમિશન) લીધા વગર જ ગૌશાળાનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. કેટલાક ઉશ્કેરાયેલા ગ્રામજનોએ તો મહારાજને હવે પછી ગામમાં રહેવા જ ન દેવાની ઉગ્ર માંગ કરી છે.

 

આ વિવાદ વચ્ચે ગામમાં એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે, જો અહીં નવી ગૌશાળા બનશે, તો ગામની સ્થાનિક ગાયોનું શું થશે? આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉ સંતને મંદિર માટે આપવામાં આવેલી જમીનનો સરકારી ઠરાવ રદ કરવાની તૈયારીઓ પણ ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરવામાં આવી હોવાના અહેવાલ છે. જોકે, ગૌશાળામાં તોડફોડ થયા બાદ જ આ ઠરાવ રદ કરવાનો મુદ્દો કેમ સામે આવ્યો, તે પણ ગામમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં આ વિવાદાસ્પદ ગ્રામસભાના નિર્ણય પર સમગ્ર સાવલી પંથકની નજર મંડાયેલી છે.

(10:57 PM IST)