તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 18th April 2026
ધંધુકામાં નજીવી બાબતે ભરવાડ યુવાનની ઘાતકી હત્યા બાદ બે જૂથ વચ્ચે ભયાનક હિંસા ફાટી નીકળી : સ્થિતિ બેકાબૂ બનતા સમગ્ર શહેરમાં કરફ્યુ જાહેર : મુખ્ય આરોપીની ધરપકડ
બાઈક ઓવરટેક કરવાના મામલે થયેલી લોહીયાળ અદાવતમાં હિન્દુ યુવકે જીવ ગુમાવ્યો : નસીબ સોસાયટી અને પાળીયાદ રોડ રણમેદાનમાં ફેરવાયા : ટોળા દ્વારા દુકાનો અને વાહનોમાં તોડફોડ - આગચંપી

ધંધુકા:અમદાવાદ જિલ્લાનું ધંધુકા શહેર આજે ફરી એકવાર રક્તરંજિત બન્યું છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. નસીબ સોસાયટી વિસ્તારમાં બાઈક ઓવરટેક કરવા જેવી અત્યંત સામાન્ય બાબતે શરૂ થયેલી રકઝકે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક ભરવાડ યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં જનઆક્રોશનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને બે જૂથો સામસામે આવી જતાં પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓથી શહેર થંભી ગયું છે. વહીવટી તંત્ર દ્વારા તણાવ ઘટાડવા માટે તાત્કાલિક અસરથી આખા શહેરમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
સમગ્ર શહેરમાં હિંસા અને આગચંપી
લાલભાઈ પોપટભાઈ ગમારા નામના ભરવાડ યુવાનની હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ સ્થાનિક રહીશો અને હિન્દુ સંગઠનો આક્રોશ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ધંધુકાના પાળીયાદ રોડ અને મુખ્ય સર્કલ પાસે ઉશ્કેરાયેલા ટોળાએ વિરોધ પ્રદર્શન દરમિયાન દુકાનોમાં તોડફોડ કરી વાહનોમાં આગ ચાંપી દીધી હતી. હિંસા ફાટી નીકળતા બજારો ટપોટપ બંધ થઈ ગયા હતા અને ભયભીત થયેલા લોકોએ ઘરોમાં ભરાઈ રહેવું પડ્યું હતું. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે આગ પર કાબૂ મેળવવા માટે બાવળા, બગોદરા, ધોળકા અને ધોલેરાથી ફાયર વિભાગની ટુકડીઓને તાત્કાલિક બોલાવવી પડી હતી.
પોલીસ કાર્યવાહી અને લોખંડી બંદોબસ્ત:
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય એસપી અને ધંધુકા ડીવાયએસપી સહિતનો વિશાળ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ત્વરિત કાર્યવાહીમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય કેટલાક શંકાસ્પદ શખ્સોની પણ અટકાયત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને શહેરને છાવણીમાં ફેરવી દેવાયું છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
શાંતિ જાળવવા તંત્રની અપીલ:
સ્થાનિક ધારાસભ્ય કાળુ ભાઈ ડાભી અને પોલીસ પ્રશાસન દ્વારા લોકોને સંયમ રાખવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. ધારાસભ્યએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી કાયદો અને વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી કરી છે. તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે નાગરિકો સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહે અને શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે. અગાઉ બનેલી કિશનભાઈ ભરવાડની હત્યાની યાદો તાજી થતા શહેરમાં અસુરક્ષાનો માહોલ છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે વધારાની પોલીસ ટુકડીઓ તૈનાત રાખવામાં આવી છે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
