<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

સુધારો નહીં તો ટર્મિનેશન: વડોદરા મનપાની કામગીરી વધુ અસરકારક બનાવવા કમિશનર મેદાને :16 એન્જિનિયરો સહિત અધિકારીઓને નોટિસ

રિવ્યુ બેઠક બાદ અનેક અધિકારીઓ સામે કાર્યવાહી થતાં તંત્રમાં હલચલ:એન્જિનિયરોથી લઈને સફાઈ વ્યવસ્થા અને વોર્ડ સ્તરની કામગીરી સુધી કમિશનરની નજર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)માં નાગરિક સેવાઓ અને મેદાની કામગીરીને વધુ અસરકારક બનાવવા કમિશનરે હવે કડક વલણ અપનાવ્યું છે. કામગીરીની સમીક્ષા  દરમિયાન અધિકારીઓને કામમાં જરૂરી સુધારા કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. સાથે જ કામગીરીમાં ખામી સામે જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

VMCની કામગીરી અંગે યોજાયેલી રિવ્યુ બેઠક બાદ 16 એન્જિનિયરો સહિત વિવિધ અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. સંબંધિત અધિકારીઓ પાસેથી તેમની કામગીરી અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. કામમાં બેદરકારી કે અપેક્ષા મુજબ પરિણામ ન મળવાના મુદ્દે તંત્ર દ્વારા જવાબદારી નક્કી કરવામાં આવી રહી છે.

 

 

કમિશનરે અધિકારીઓને કામગીરીમાં તાત્કાલિક સુધારો લાવવા માટે ટકોર કરી છે. માત્ર નોટિસ પૂરતી કાર્યવાહી નહીં રહે અને કામમાં સુધારો જોવા નહીં મળે તો ટર્મિનેશન  સુધીની કાર્યવાહી થઈ શકે તેવી ચેતવણી આપવામાં આવી છે. આ વલણથી VMCના વિવિધ વિભાગોમાં જવાબદારી અને કામગીરીને લઈને ચર્ચા શરૂ થઈ છે.

 

 

શહેરની સફાઈ વ્યવસ્થાને લઈને પણ કમિશનરે કડક દેખરેખના સંકેત આપ્યા છે. સફાઈ કર્મચારીઓની હાજરી અને વાસ્તવિક કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવશે. SI અને સુપરવાઇઝરોની કામગીરી પર પણ નજર રાખવામાં આવી રહી છે.

 

વોર્ડ સ્તરે કામગીરીમાં ખામી જણાય તો વોર્ડ ઓફિસરો સામે પણ નોટિસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પબ્લિક સેટિસ્ફેક્શનને પ્રાથમિકતા આપીને નાગરિકોને મળતી સેવાઓમાં સુધારો લાવવા તંત્રને મહેનત કરવાની કમિશનરે ટકોર કરી છે. આગામી સમયમાં નોટિસ બાદ કામગીરીમાં કેટલો સુધારો થાય છે તેના આધારે આગળની કાર્યવાહી નક્કી થઈ શકે છે.

(7:29 PM IST)