<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

વડોદરામાં ડિજિટલ ડાકૂઓનો આતંક: RTO ચલણની લિંક ક્લિક કરતા જ રેલવે સુપરવાઈઝરના નામે ₹12.86 લાખની લોન ઉપડી ગઈ!

મોબાઈલ હેક કરીને ઠગોએ પહેલા સિમ કાર્ડ બંધ કરાવ્યું અને પછી ખેલ પાડ્યો; APK ફાઈલ ડાઉનલોડ કરવી આધેડને ભારે પડી

વડોદરા : સંસ્કારી નગરી વડોદરામાં સાયબર ઠગાઈનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને કોઈપણના હોશ ઉડી જાય. ન્યૂ સમા રોડ વિસ્તારમાં રહેતા અને રેલવેમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા રજનીશભાઈ નામના આધેડને એક સામાન્ય દેખાતી લિંકે લાખોનો ચૂનો લગાવ્યો છે. સાયબર ઠગોએ માત્ર એક નકલી 'RTO ટ્રાફિક ચલણ'ની લિંક મોકલીને પીડિતના નામે ₹12.86 લાખની પર્સનલ લોન મેળવી લીધી અને આખી રકમ સગેવગે કરી નાખી.
ઘટનાની વિગત મુજબ, ગત ૧૮ જાન્યુઆરીએ રજનીશભાઈના વોટ્સએપ પર એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. જેમાં RTO ચલણ ભરવાની સૂચના સાથે એક APK ફાઈલ હતી. રજનીશભાઈને લાગ્યું કે કદાચ તેમના ભાઈની ગાડીનો કોઈ દંડ હશે, તેથી તેમણે કુતૂહલવશ લિંક પર ક્લિક કર્યું. આ એક ક્લિક જ તેમના માટે આફત બની ગઈ. ફાઈલ ડાઉનલોડ થતાની સાથે જ ઠગોએ તેમનો મોબાઈલ હેક કરી લીધો હતો.
ઠગોની માસ્ટર માઈન્ડ ચાલ: સિમ કાર્ડ કરાવ્યું બંધ
પોતાની કરતૂત છુપાવવા માટે ઠગોએ પીડિતનું સિમ કાર્ડ પણ બંધ કરાવી દીધું હતું, જેથી બેંકના OTP કે વ્યવહારના મેસેજ રજનીશભાઈને ન મળે. આ દરમિયાન ઠગોએ તેમના દસ્તાવેજોનો દુરુપયોગ કરી ઓનલાઈન ₹12,86,801ની પર્સનલ લોન મંજૂર કરાવી લીધી હતી. આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 7 ફેબ્રુઆરીએ રજનીશભાઈના ખાતામાંથી લોનનો હપ્તો (EMI) કપાયો. બેંકમાં તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના નામે મોટી લોન લેવાઈ ચુકી છે.
સાવધાન: શું છે આ APK ફાઈલનો ખતરો?
સાયબર એક્સપર્ટ્સના મતે, 'APK' એ એન્ડ્રોઈડ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની ફાઈલ છે. જ્યારે તમે કોઈ અજાણી લિંક પરથી આવી ફાઈલ ડાઉનલોડ કરો છો, ત્યારે ઠગોને તમારા ફોનના કોન્ટેક્ટ્સ, એસએમએસ અને કેમેરાનો સંપૂર્ણ એક્સેસ મળી જાય છે. વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અજાણી લિંક પર ક્લિક ન કરવું અને છેતરપિંડી થાય તો તાત્કાલિક 1930 નંબર પર જાણ કરવી.

(6:54 PM IST)