News of Tuesday, 10th November 2026
સુરતના ભેસ્તાન વિસ્તારમાં તસ્કરોનો આતંક: શ્રી વિનાયક રેસિડેન્સીમાં માત્ર ત્રણ દિવસમાં ચાર જગ્યાએ ચોરી થતા રહેવાસીઓમાં ભારે ફફડાટ
દિવાળીના તહેવારમાં પરિવાર વતન ગયો હતો ત્યારે બંધ મકાનને નિશાન બનાવી રોકડ અને સોનાના દાગીના ચોરી થયા, સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ શરૂ

સુરત : સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલી શ્રી વિનાયક રેસિડેન્સી સોસાયટીમાં તસ્કરોએ બેફામ બનીને આતંક મચાવ્યો છે, જ્યાં છેલ્લા માત્ર ત્રણ દિવસની અંદર ઉપરાઉપરી ચાર ચોરીના બનાવો સામે આવતા સ્થાનિક રહીશોમાં ભય અને રોષનો માહોલ ફેલાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સોસાયટીમાં રહેતો એક પરિવાર દિવાળીનો તહેવાર મનાવવા પોતાના વતન ગયો હતો, તે દરમિયાન તસ્કરોએ તક ઝડપીને બંધ મકાનના દરવાજાનો નકુચો કાપી અંદર પ્રવેશ કર્યો હતો અને લાખો રૂપિયાની મિલકત ચોરી કરી લીધી હતી.
ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં મોડી રાત્રે અંદાજે ૩:૪૫ વાગ્યાની આસપાસ બે તસ્કરો સોસાયટીમાં પ્રવેશીને માત્ર ૧૫ થી ૨૦ મિનિટના ટૂંકા ગાળામાં કબાટના તાળા તોડી રોકડ રૂપિયા ૧ લાખ અને સોનાના દાગીના ચોરી કરીને બિન્દાસ્ત ફરાર થઈ ગયા હોવાનું કેદ થયું છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં અસમાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે અને માત્ર ત્રણ દિવસમાં ચાર ચોરીઓ થવા ઉપરાંત અગાઉ બાઈક અને અન્ય મકાનોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે, જેના કારણે લોકો રાત્રે જાગીને ચોકીદારી કરવા મજબૂર બન્યા છે.
બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું ચોક્કસ પગેરું મેળવવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આગામી સમયમાં પોલીસ દ્વારા આ વિસ્તારમાં નારાઈટ પેટ્રોલિંગ વધારવાની સાથે તસ્કરોને ઝડપી પાડવા માટે વિશેષ ટીમ કામે લગાડવામાં આવી છે, જેથી નાગરિકો સુરક્ષાની અનુભૂતિ કરી શકે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
