<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

તાપી જિલ્લાના NH-56 પર પાટી ગામ નજીક ઓલણ પુલ પાસે થાર- બાઇક અથડાતા અજાણ્યા શખ્શનું મોત

બાઇકચાલક ડોલવણ તરફથી બેડચીત તરફ જતો હતો જ્યારે થાર કાર વિપરીત દિશામાં આવતી હતી બંને વાહનો વચ્ચે સામસામે ટક્કર થતાં અકસ્માત સર્જાયો

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં વ્યારા-ઉનાઈ નેશનલ હાઈવે નં. 56 પર પાટી ગામના ગાંધી ઓવારા ફળિયા નજીક આવેલ ઓલણ નદીના પુલ પાસે રવિવારે બપોરે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક અજાણ્યાનું મોત નીપજ્યું હતું.

પોલીસ ફરિયાદ મુજબ, બપોરે અંદાજે 12:10 વાગ્યે અકસ્માતની માહિતી મળતા પોલીસ ટીમ સ્થળે પહોંચી હતી. ત્યાં કાળા રંગની મહિન્દ્રા થાર કાર અને હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ વચ્ચે સામસામે અથડામણ થઈ હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતમાં બાઇકચાલક અજાણ્યા વ્યક્તિને માથા, મોઢા, કમર અને જમણા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સ્થળ પર પહોંચેલી 108 એમ્બ્યુલન્સના ડોક્ટરે તપાસ કરતાં વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. તેની ઉંમર આશરે 40 થી 45 વર્ષ વચ્ચે હોવાનું જણાવાયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાઇકચાલક ડોલવણ તરફથી બેડચીત તરફ જઈ રહ્યો હતો, જ્યારે થાર કાર વિપરીત દિશામાં આવી રહી હતી. બંને વાહનો વચ્ચે સામસામે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો.આ બનાવ અંગે થાર ચાલક માનસિંગભાઈ કાંતુભાઈ ગામીત (રહે. બાગલપુર, તા. ડોલવણ) સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

(12:21 PM IST)