તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
બનાસકાંઠાના થરાદમાં પ્રેમસંબંધમાં પતિ કાંટો બનતા પત્ની જ બની કાતિલ: પ્રેમી અને સાગરીતો સાથે મળી આચર્યો ઘાતકી હત્યાકાંડ
ગણેશપુરા ગામે ખેતમજૂરી કરતા યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો: પત્ની સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા

થરાદ: બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગણેશપુરા ગામે સંબંધોને લાંછન લગાડતી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ પોતાના પતિને રસ્તામાંથી હટાવવા માટે પ્રેમી સાથે મળીને હત્યાનું એવું ખતરનાક કાવતરું રચ્યું કે જેનાથી આખો પંથક હચમચી ગયો છે. મૃતક ગેમાભાઈ ઠાકોર, જે છેલ્લા ચાર વર્ષથી પરિવાર સાથે ખેતમજૂર તરીકે કામ કરી ગુજરાન ચલાવતા હતા, તેમનું પત્નીના જ હાથે મોત થતા ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની વિગત મુજબ, મૃતક ગેમાભાઈ ઠાકોરની પત્ની નર્મદાબેન ઉર્ફે નબાબેનના ગામના જ પ્રેમજી પટેલ નામના શખ્સ સાથે અનૈતિક સંબંધો હતા. આ પ્રેમસંબંધમાં ગેમાભાઈ સતત આડખીલીરૂપ બનતા હોવાથી પત્નીએ પ્રેમી સાથે મળીને તેમનો કાયમી નિકાલ કરવાનું નક્કી કર્યું હતું. ગત ૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ ગેમાભાઈ જ્યારે ખેતર ખેડવા ગયા હતા, ત્યારે ત્યાં પત્ની નર્મદાબેન, તેનો પ્રેમી પ્રેમજી પટેલ અને અન્ય એક સાગરીત મુકેશ ઠાકોર પહેલેથી જ હાજર હતા.
રાત્રિના સમયે ગેમાભાઈ ખેતરેથી પરત ફર્યા ત્યારે પત્ની અને પ્રેમી સાથે તેમનો ઉગ્ર ઝઘડો થયો હતો. આ દરમિયાન નર્મદાબેને લાકડાનું પાટિયું મારીને ગેમાભાઈને નીચે પાડી દીધા હતા. બાદમાં ત્રણેય આરોપીઓએ ભેગા મળીને અચેત અવસ્થામાં પડેલા ગેમાભાઈને ખાટલા પર લઈ જઈ દોરડા વડે ગળું દબાવીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.
ઘટનાના બીજા દિવસે સવારે જ્યારે આ હત્યાકાંડની જાણ થઈ ત્યારે મૃતકના પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસને શરૂઆતમાં અકસ્માત મોતની શંકા હતી, પરંતુ મૃતકના શરીર પરના નિશાનો અને ઘટનાસ્થળની શંકાસ્પદ ગતિવિધિઓને જોતા પોલીસે ઊંડી તપાસ હાથ ધરી હતી. થરાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને પૂછપરછના આધારે ગણતરીના કલાકોમાં જ આ બ્લાઈન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે પત્ની નર્મદાબેન સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
