News of Monday, 20th April 2026
જીવ સંકલ્પમાં સ્વાર્થ હોઈ શકે, શિવ સંકલ્પમાં પરમાર્થ જ હોય : પાલિતાણાની કૈલાસ ટેકરી પર પૂ. મોરારિબાપુની રામકથાની જમાવટ
ગોહિલવાડના આંગણે ‘માનસ શિવ સંકલ્પ’ રામકથાના ત્રીજા દિવસે ભાવિકોનું ઘોડાપૂર: પાઠ્યપુસ્તકો પરીક્ષામાં અને સદસાહિત્ય પરમની પ્રતીક્ષામાં કામ આવશે તેવી યુવાનોને શીખ આપતા પૂ. મોરારિબાપુ

ઈશ્વરિયા: ગોહિલવાડના પાલિતાણા ક્ષેત્રમાં આવેલી શ્રી કૈલાસ ટેકરી, સગાપરા ધાર સ્થાનમાં રામકથાનો મંગલમય પ્રવાહ વહી રહ્યો છે. લાલગિરીબાપુના સંકલ્પ અને નેતૃત્વ હેઠળ આયોજિત આ રામકથા ‘માનસ શિવ સંકલ્પ’ ના ત્રીજા દિવસે વ્યાસપીઠ પરથી પૂ. મોરારિબાપુએ હજારો ભાવિકોને કથામૃતનું પાન કરાવી રસતરબોળ કર્યા હતા. આ પ્રસંગે મોરારિબાપુએ સંકલ્પના મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પાસાઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, જીવના સંકલ્પમાં સ્વાર્થ છુપાયેલો હોઈ શકે છે, પરંતુ શિવના સંકલ્પમાં હંમેશા પરમાર્થ જ હોય છે. આ તત્ત્વ બૌદ્ધિક નથી પણ હાર્દિક છે.
ત્રિવેણી સનાતન અને મહાપુરુષોનું સ્મરણ:
કથાના પ્રારંભે પૂ. મોરારિબાપુએ પાલિતાણા અને આસપાસના ક્ષેત્રને ત્રિવેણી વૈચારિક ભૂમિ ગણાવી હતી. તેમણે આ ભૂમિના મહાન સંતો હરિરામબાપા ગોદડિયા, બજરંગદાસબાપુ તથા રણછોડદાસજીબાપાનું ભાવપૂર્વક સ્મરણ કર્યું હતું. પૂ. બાપુએ આ ત્રણેય મહાપુરુષોને સત્યમ્, શિવમ્ અને સુન્દરમ્ ગણાવી વંદના વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે અહીંની જૈન પરંપરા અને ભૈરવનાથ સ્થાનના મહિમાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
યુવા પેઢીને સદસાહિત્ય વાંચવાની શીખ:
કથા દરમિયાન પૂ. મોરારિબાપુએ વિશેષ કરીને યુવાન વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું હતું કે, અભ્યાસકાળ દરમિયાન માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત ન રહેવું જોઈએ. તેમણે શિખામણ આપી કે પાઠ્યપુસ્તકો તમને પરીક્ષા પાસ કરવામાં મદદ કરશે, પરંતુ સદસાહિત્ય તમને પરમ તત્ત્વની પ્રતીક્ષામાં અને જીવનના ઘડતરમાં કામ આવશે. ‘વિદ્યા તીર્થે જગતી વિભૂતા...’ શ્લોક દ્વારા તેમણે વિવિધ અપરાધ સામે સ્વાભાવિક પસ્તાવાના મહિમાનું વર્ણન કર્યું હતું.
ગરમીમાં પણ શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો:
ભર ઉનાળાની આકરી ગરમી હોવા છતાં, કથામૃતની શીતળતા મેળવવા માટે પાલિતાણા, ગોહિલવાડ તેમજ દૂર-સુદૂરના વિસ્તારોમાંથી સાધુ-સંતો, ધર્માચાર્યો અને અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. સનાતન પરંપરાને અનિવાર્ય ગણાવી બાપુએ શ્રેષ્ઠ વિચારોના સંવર્ધન માટે ભાવિકોને અનુરોધ કર્યો હતો. લાલગિરીબાપુના માર્ગદર્શન હેઠળના આ ભવ્ય આયોજનમાં કલાકારો, સેવાભાવીઓ અને શ્રદ્ધાળુઓ એકાકાર થઈને ભક્તિમય વાતાવરણનો આનંદ માણી રહ્યા છે.
(અહેવાલ - મુકેશ પંડિત)
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
