તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરીમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવાશે નહીં, જાણીજોઈને થયેલી ભૂલચૂક માફ નહીં થાય : માર્ગ-મકાન વિભાગની પ્રથમ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કડક વલણ
'વિકસિત ગુજરાત ૨૦૪૭'ના લક્ષ્યાંક સાથે ગાંધીનગરમાં દ્વિદિવસીય શિબિરનો પ્રારંભ : ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને સોશિયલ કનેક્ટિવિટી મજબૂત કરવા અધિકારીઓને આહવાન : બિલ્ડીંગ હેલ્થ મોનિટરિંગ અને બ્રિજ એસેટ મેનેજમેન્ટ પુસ્તિકાઓનું વિમોચન કરાયું

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યના નાગરિકોને મળેલી શ્રેષ્ઠ રોડ નેટવર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની ગુણવત્તા જાળવી રાખીને તેને ભવિષ્યમાં વધુ ગૌરવપૂર્ણ બનાવવાના હેતુથી ગાંધીનગરમાં માર્ગ અને મકાન વિભાગની પ્રથમ દ્વિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. "ગતિ, ગુણવત્તા અને ગૌરવ – એક્સેલરેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર વિકસિત ગુજરાત ૨૦૪૭" ની થીમ સાથે યોજાયેલી આ શિબિરમાં વર્ક આસિસ્ટન્ટથી લઈને સચિવ કક્ષાના અધિકારીઓ સામૂહિક મંથન કરી રહ્યા છે. શિબિરનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અજાણતા થયેલી ભૂલ સુધારી શકાય છે, પરંતુ જાણીજોઈને કરવામાં આવેલી ભૂલચૂક ક્યારેય માફ થઈ શકે નહીં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૦૦૩થી શરૂ કરાયેલી ચિંતન શિબિરની પરંપરાને યાદ કરતા 'મેં નહીં હમ' અને 'સ્વયંથી વ્યષ્ટિ'ના ભાવ સાથે કામ કરવા હાકલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે માર્ગ અને મકાન વિભાગ સરકારનો અત્યંત મહત્વનો વિભાગ છે, જેના સારા કામની પ્રશંસા થાય છે પરંતુ ક્ષતિ દેખાય તો આલોચના પણ થાય છે. તેથી ક્વોલિટીમાં કોઈ બાંધછોડ ન થાય, ટેન્ડર પ્રક્રિયા પર વિશેષ ધ્યાન અપાય અને એસ.ઓ.પી. મુજબ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે અત્યંત જરૂરી છે. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનારા ઈજનેરોને ગવર્નન્સ પરફોર્મન્સ ઈન્ડેક્ષ (GPI) માનદંડ મુજબ એવોર્ડ્સથી સન્માનિત કરાયા હતા તથા ‘બિલ્ડીંગ હેલ્થ મોનિટરિંગ’ અને ‘બ્રિજ એસેટ મેનેજમેન્ટ’ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું કે રાજ્યનું માર્ગ-મકાન બજેટ રૂ. ૧૨,૦૦૦ કરોડથી વધીને રૂ. ૩૦,૦૦૦ કરોડ થયું છે. 'વિકસિત ગુજરાત @ ૨૦૪૭' અંતર્ગત રાજ્યની ઈકોનોમીને ૩.૫ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવા આગામી ૨૦ વર્ષમાં ભૂતકાળ કરતા ૧૧ ગણું વધુ નિર્માણ કાર્ય કરવાનું રહેશે. તેમણે અધિકારીઓને 'ફ્રોમ ધ ગ્રાઉન્ડ અપ' અભિગમ અપનાવી કોન્ટ્રાક્ટરો પાસેથી યોગ્ય કામગીરી લેવા તાકીદ કરી હતી.
વિભાગના સચિવ પી.આર. પટેલિયાએ નવી પહલોની વિગતો આપતાં જણાવ્યું હતું કે વિભાગમાં પારદર્શિતા વધારવા અધિકારીઓ માટે GPI અને કોન્ટ્રાક્ટરો માટે પરફોર્મન્સ બેઝ્ડ રેટિંગ તેમજ QCBS (ક્વોલિટી કંટ્રોલ બેઝ્ડ ઈવેલ્યુએશન) સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં સંત રેયારામ દાસજી, જળ સંપત્તિ સચિવ પી.સી. વ્યાસ અને ખાસ સચિવ જે.એ. ગાંધી સહિત રાજ્યભરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
