<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

લઘુતમ તાપમાનમાં અનિશ્ચિતતા રહેશેઃ ૧૩ નવેમ્‍બર આસપાસ નોર્મલ તાપમાનમાં એકાદ ડીગ્રીની ઘટાડાની શક્‍યતા શકયતા

વેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલના જણાવ્‍યા મુજબ ૬થી ૧૩ નવેમ્‍બર દરમિયાન લઘુત્તમ તાપમાન નોર્મલથી નીચું તો ક્‍યાંક નોર્મલથી ઊંચું રહેવાની સંભાવનાઃ મહત્તમ તાપમાન સામાન્‍યથી ઊંચું રહેવાની સંભાવના, રાજકોટમાં લઘુત્તમ તાપમાન ૧૮.૬ ડિગ્રી નોંધાયું

રાજકોટ : સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં હાલ હવામાનમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્‍યથી ઊંચું રહેતું હોવાથી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્‍યારે રાત્રિના લઘુત્તમ તાપમાનમાં અલગ-અલગ સ્‍થળોએ નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે. આગામી ૬થી ૧૩ નવેમ્‍બર દરમિયાન પણ તાપમાનમાં આવી જ સ્‍થિતિ રહેવાની શક્‍યતા વેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલે વ્‍યક્‍ત કરી છે.

અશોકભાઈ પટેલના જણાવ્‍યા મુજબ, ગત ૫ નવેમ્‍બરના રોજ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં મોટાભાગનાં સ્‍થળોએ મહત્તમ તાપમાન સામાન્‍યથી સામાન્‍ય કરતાં ઊંચું નોંધાયું હતું. મહત્તમ તાપમાન નોર્મલ કરતાં ૨.૫ ડિગ્રી સુધી ઊંચું રહ્યું હતું. બીજી તરફ લઘુત્તમ તાપમાનમાં વિવિધ હવામાન મથકો પર નોર્મલ કરતાં ૨.૫ ડિગ્રી નીચાથી ૨.૫ ડિગ્રી ઊંચા સુધીનો તફાવત જોવા મળ્‍યો હતો.

૬ નવેમ્‍બરના રોજ નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં ૨૦.૮ ડિગ્રી, અમરેલીમાં ૧૭.૮ ડિગ્રી, વડોદરામાં ૧૭ ડિગ્રી, ભુજમાં ૨૧.૬ ડિગ્રી, રાજકોટમાં ૧૮.૬ ડિગ્રી અને ડીસામાં ૨૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેમાં અમદાવાદ અને ભુજમાં લઘુત્તમ તાપમાન સામાન્‍ય કરતાં ઊંચું રહ્યું હતું, જ્‍યારે અમરેલી, વડોદરા અને રાજકોટમાં સામાન્‍ય કરતાં નીચું નોંધાયું હતું.

આગામી ૬થી ૧૩ નવેમ્‍બર દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં મહત્તમ તાપમાન સામાન્‍યથી સામાન્‍ય કરતાં ઊંચું રહેવાની શક્‍યતા છે. હાલમાં પ્રદેશમાં સામાન્‍ય મહત્તમ તાપમાન આશરે ૩૫ ડિગ્રી આસપાસ છે. બીજી તરફ મોટાભાગનાં હવામાન મથકો માટે સામાન્‍ય લઘુત્તમ તાપમાન આશરે ૨૦ ડિગ્રી છે. અમદાવાદ અને અમરેલીમાં ૧૯ ડિગ્રી તથા ડીસામાં ૧૮ ડિગ્રી સામાન્‍ય લઘુત્તમ તાપમાન ગણાય છે.

આગાહીના સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન હાલની આસપાસની મર્યાદામાં રહેવાની શક્‍યતા છે, પરંતુ અલગ-અલગ વિસ્‍તારોમાં સામાન્‍ય તાપમાનની સરખામણીએ સ્‍થાનિક તફાવત જોવા મળી શકે છે. ખાસ કરીને ૧૩ નવેમ્‍બરની આસપાસ લઘુત્તમ તાપમાનમાં સામાન્‍ય ઘટાડો થવાની શક્‍યતા હોવાથી રાત્રિના વાતાવરણમાં ઠંડકનો અહેસાસ વધી શકે છે. આમ, આગામી દિવસોમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રે બદલાતી ઠંડીનો મિશ્ર માહોલ રહેવાની સંભાવના છે.

(3:49 PM IST)