તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
સુરતના હજારો યુવાનો બનશે સુપર-સ્કિલ્ડ! પીએમ-સેતુ (PM-SETU) યોજના હેઠળ ₹૨૪૦.૧૮ કરોડના મેગા પ્રોજેક્ટને મળી લીલી ઝંડી
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ (AM/NS ઈન્ડિયા) અને 'નામટેક' (NAMTECH) વચ્ચે ઐતિહાસિક ભાગીદારી; સુરતની પાંચ અગ્રણી ITI સંસ્થાઓનો કાયાકલ્પ થશે, રોજગારીની બમ્પર તકો

સુરત, તા.૧૦: ગુજરાતના હજારો આઇટીઆઇ (ITI) વિદ્યાર્થીઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયની નેશનલ સ્ટીયરિંગ કમિટી દ્વારા એક અત્યંત મહત્વકાંક્ષી વ્યુહાત્મક રોકાણ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી સાથે જ દેશના દિગ્ગજ સ્ટીલ ઉત્પાદક 'આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા' (AM/NS ઈન્ડિયા) ને સુરત ITI ક્લસ્ટર માટે કેન્દ્ર સરકારના વિશેષ પ્રોજેક્ટ 'પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ ITI' (PM-સેતુ) હેઠળ એંકર ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
આગામી પાંચ વર્ષની અવધિ માટે મંજૂર કરાયેલા આ ક્રાંતિકારી પ્રોજેક્ટ પાછળ કુલ રૂપિયા ૨૪૦.૧૮ કરોડનો માતબર ખર્ચ કરવામાં આવશે, જેનો સીધો ફાયદો રાજ્યના યુવાનોને મળશે.
સુરત ગવર્નમેન્ટ ITI બનશે મુખ્ય 'હબ', અન્ય ચાર સંસ્થાઓ જોડાશે
આ યોજના હેઠળ ગુજરાતના કૌશલ્ય ઇકોસિસ્ટમનો ચહેરો બદલવા માટે સુરત ક્લસ્ટરની પસંદગી કરાઈ છે. આ ક્લસ્ટરમાં 'ગવર્નમેન્ટ ITI સુરત' મુખ્ય હબ ઇન્સ્ટિટ્યુટ તરીકે કામ કરશે. જ્યારે તેની સાથે સપોર્ટિંગ સંસ્થાઓ (સ્પોક) તરીકે અન્ય ચાર અગ્રણી સંસ્થાઓ—ગવર્નમેન્ટ ITI હજીરા, ગવર્નમેન્ટ ITI બારડોલી, ગવર્નમેન્ટ ITI સચિન અને ગવર્નમેન્ટ ITI સુરત (મહિલા)—ને જોડવામાં આવી છે. આ તમામ સંસ્થાઓને આધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગ આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરવામાં આવશે.
'નામટેક' ની એક્સપર્ટાઇઝથી તૈયાર થશે ફ્યુચર-રેડી વર્કફોર્સ
આ મેગા પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે AM/NS ઈન્ડિયાએ દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા 'ન્યુ એજ મેકર્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી' (NAMTECH) સાથે મજબૂત ભાગીદારી કરી છે. આ ભાગીદારી ઉદ્યોગોની વાસ્તવિક જરૂરિયાતો અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને એક જ પ્લેટફોર્મ પર લાવશે.
કંપનીના એચઆર અને એડમિનિસ્ટ્રેશન વિભાગના ડાયરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ આશુતોષ તેલંગે આ મંજૂરીને આવકારતાં જણાવ્યું હતું કે, પીએમ-સેતુ યોજના ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં એક નવો સીમાચિહ્ન સાબિત થશે અને સરકાર-ઉદ્યોગ વચ્ચેના તાલમેલનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.
અગાઉ પણ હજારો યુવાનોને મળી છે મસમોટી સેલેરીવાળી નોકરીઓ
ઉલ્લેખનીય છે કે AM/NS ઈન્ડિયા ઓરિસ્સા અને ગુજરાતમાં ટેકનિકલ સંસ્થાઓ સાથે મળીને અત્યાર સુધીમાં ૪,૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓને આર્થિક અને તકનીકી ટેકો આપી ચૂકી છે. આ પૂર્વે મહેસાણાની ગવર્નમેન્ટ ITI માં નામટેકના આઉટરીચ મોડેલ હેઠળ ૧,૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાંથી ૧,૩૦૦ થી વધુ યુવાનોને ૫૦% સુધીના જબરદસ્ત સેલેરી પ્રીમિયમ (પગાર વધારા) સાથે સીધી નોકરીની ઓફર્સ મળી હતી. હવે સુરત ક્લસ્ટરના આ મેગા પ્રોજેક્ટથી પણ દક્ષિણ ગુજરાતના ટેકનિકલ ક્ષેત્રના હજારો યુવાનો માટે ઉચ્ચ કક્ષાની રોજગારીના સોનેરી દ્વાર ખુલશે તે નક્કી છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
