<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

દિવાળીના વેકેશનમાં દીવના શાંત દરિયાકિનારા,ઐતિહાસિક ધરોહરો અને કુદરતી સૌંદર્યને માણવા હજારો પ્રવાસીઓ ઉમટ્યા

પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો સાસણ ગીર અને સોમનાથની સાથે હવે દીવ પણ પ્રવાસીઓની પ્રથમ પસંદ બની ગયું

ગુજરાતના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો સાસણ ગીર અને સોમનાથની સાથે હવે દીવ પણ પ્રવાસીઓની પ્રથમ પસંદ બની ગયું છે. રજાઓના માહોલમાં દીવના શાંત દરિયાકિનારા, ભવ્ય ઐતિહાસિક ધરોહરો અને મનમોહક કુદરતી સૌંદર્યને માણવા માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે સમગ્ર દીવ પ્રવાસીઓથી છલોછલ થઈ ગયું છે.પરિવારજનો અને મિત્રોના ગ્રુપ સાથે આવેલા પ્રવાસીઓ દરિયાની ઉછળતી લહેરો વચ્ચે મોજમસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, નાગવા બીચ પર પેરાસેલિંગ, જેટ સ્કી અને બનાના બોટ રાઇડ જેવી વિવિધ રોમાંચક વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બની છે. દરિયાકિનારાની સ્વચ્છતા અને સુંદરતા સહેલાણીઓને મંત્રમુગ્ધ કરી રહી છે.

માત્ર દરિયાકિનારા જ નહીં, પરંતુ દીવનો સમૃદ્ધ ઐતિહાસિક વારસો પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. પોર્ટુગીઝ શાસનની યાદ અપાવતો દીવનો ઐતિહાસિક કિલ્લો, દરિયાની વચ્ચે આવેલો પ્રખ્યાત પાણી કોઠા અને સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાતું ભવ્ય સેન્ટ પોલ ચર્ચ જોવા માટે સહેલાણીઓની લાંબી કતારો લાગી રહી છે. ઇતિહાસ અને કલાપ્રેમી પ્રવાસીઓ આ સ્થળોની મુલાકાત લઈને દીવના ભવ્ય ભૂતકાળને નજીકથી જાણી રહ્યા છે.રાત્રિના સમયે દીવનું એક અલગ જ નયનરમ્ય રૂપ જોવા મળી રહ્યું છે. દિવાળીના તહેવાર નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો, કિલ્લા અને જાહેર સ્થળો પર કરવામાં આવેલી રંગબેરંગી રોશની અને આકર્ષક લાઇટિંગથી સમગ્ર દીવ ઝગમગી ઊઠ્યું છે. રાત્રિના ઠંડા પવન વચ્ચે પ્રવાસીઓ આ સુંદર સજાવટ નિહાળવા અને પોતાની યાદગાર પળોને કેમેરામાં કેદ કરવા માટે ઉમટી રહ્યા છે.

પ્રવાસીઓના આ ભારે ધસારાને કારણે દીવના સ્થાનિક અર્થતંત્રમાં પણ તેજી આવી છે. શહેરની તમામ નાની-મોટી હોટલો, રિસોર્ટ અને ગેસ્ટ હાઉસ હાઉસફુલ થઈ ગયા છે. સ્થાનિક બજારો, રેસ્ટોરન્ટ્સ અને હસ્તકલાની દુકાનોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને પ્રવાસન વ્યવસાયકારોમાં ખુશીનો માહોલ છે. આગામી નવા વર્ષ અને લાભપાંચમ સુધી દીવમાં પ્રવાસીઓનો આ પ્રવાહ યથાવત્ રહેવાની પૂરી શક્યતા છે, જે દીવના પ્રવાસન ઉદ્યોગ માટે અત્યંત શુભ સંકેત છે.

(2:07 PM IST)