<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

અમદાવાદની શાળાઓને ફરી બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી

પોલીસ, બોમ્‍બ સ્‍ક્‍વોડ અને ગુપ્તચર એજન્‍સીઓ દોડતી થઈઃ ૧૧ મહીનામા ૮મી વખત ધમકીથી ખળભળાટ ચાંદખેડા, બોડકદેવ અને સેટેલાઇટની પોદાર ઇન્‍ટરનેશનલ, સી.એન. અને વિદ્યાભારતી શાળાઓમાં દોડધામઃ બાળકો સુરક્ષિત ઘરે રવાના

અમદાવાદ, તા.૨૭: અમદાવાદ શહેરની ખ્‍યાતનામ શાળાઓ પર ફરી એકવાર આતંક અને દહેશતનો પડછાયો મંડરાયો છે. સેટેલાઇટ, જોધપુર, બોડકદેવ અને ચાંદખેડા જેવા વિસ્‍તારોમાં આવેલી પોદાર ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ, સી.એન. વિદ્યાલય અને વિદ્યાભારતી સ્‍કૂલ સહિતની અનેક શાળાઓને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો છે. આ વખતે ધમકીભર્યા ઈમેઈલ ખાલિસ્‍તાન નેશનલ આર્મીના નામે મોકલવામાં આવ્‍યો છે, જેમાં જાણીતા પંજાબી સિંગર દિલજીત દોસાંઝના કોન્‍સર્ટનો ખાસ ઉલ્લેખ કરીને વાલીઓને પોતાના બાળકોને ત્‍યાં ન મોકલવા ચેતવણી આપવામાં આવી છે. એટલું જ નહીં, ઈમેઈલમાં બપોરે ૧:૧૧ વાગ્‍યે સ્‍કૂલોમાં જોરદાર બોમ્‍બ ધમાકા કરવાનો સ્‍પષ્ટ અને ભયાનક દાવો કરવામાં આવ્‍યો હતો.

ધમકીભર્યો ઈમેઈલ વાંચતા જ શાળા સંચાલકોના હોશ ઊડી ગયા હતા અને તેમણે તુરંત જ ઈમરજન્‍સી પ્રોટોકોલ લાગુ કરી દીધો હતો. સાવચેતીના પગલે તમામ સ્‍કૂલ બિલ્‍ડિંગોને તાત્‍કાલિક ખાલી કરાવવામાં આવ્‍યા હતા અને વાલીઓને કટોકટીનો મેસેજ મોકલી બાળકોને લઈ જવા માટે બોલાવાયા હતા. સ્‍કૂલ પરિસરમાં ક્ષણભરમાં જ ચિંતિત વાલીઓની ભારે ભીડ અને અફરાતફરીના દ્રશ્‍યો સર્જાયા હતા. સુરક્ષા એજન્‍સીઓ અને શાળા પ્રશાસને અત્‍યંત સતર્કતા દાખવીને તમામ બાળકોને સહીસલામત રીતે પોતપોતાના ઘરે રવાના કર્યા હતા, જેથી કોઈ મોટો અણબનાવ ન બને.

ઘટનાની ગંભીરતાને ધ્‍યાને રાખીને અમદાવાદ પોલીસના ઉચ્‍ચ અધિકારીઓ, બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડ અને ડોગ સ્‍ક્‍વોડનો વિશાળ કાફલો ઘટનાસ્‍થળે ધસી આવ્‍યો હતો. પોલીસ વિભાગ દ્વારા સમગ્ર સ્‍કૂલ પરિસરોને કોર્ડન કરી લેવામાં આવ્‍યા છે અને ખૂણે-ખૂણાનું સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૧ મહિનામાં આ ૮મી વખત અમદાવાદની શાળાઓને બોમ્‍બથી ઉડાવવાના ઈમેઈલ મળ્‍યા છે. વારંવાર બનતી આ સનસનાટીભરી ઘટનાઓને પગલે વાલીઓ અને પ્રશાસનમાં ચિંતાની વ્‍યાપક મોજું ફરી વળ્‍યું છે, જ્‍યારે સાયબર ક્રાઈમ અને ગુપ્તચર એજન્‍સીઓ આ આતંકી ઈમેઈલના મૂળ સુધી પહોંચવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે.

(3:54 PM IST)