<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

અમદાવાદના વટવા વિસ્તારમાં વાંદરવટ તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યા : બે બાળકોનો બચાવ : એકની શોધખોળ

સમગ્ર ઘટનાને પગલે વટવા અને ઘોડાસર વિસ્તારમાં ચિંતા અને અરેરાટીનો માહોલ

અમદાવાદના વટવા વિસ્તારમાં પી.ડી. પંડ્યા કોલેજ નજીક આવેલા વાંદરવટ તળાવમાં ત્રણ બાળકો ડૂબી જતાં ભારે અરેરાટી ફેલાઈ છે. મળતી માહિતી મુજબ, સાંજે આશરે 7 વાગ્યાના સમયે 14થી 15 વર્ષની ઉંમરના ત્રણ બાળકો તળાવમાં પડ્યા હતા. બાળકો નાહવા માટે તળાવમાં ઉતર્યા હતા કે માછલી પકડવા ગયા હતા, તે અંગેની ચોક્કસ હકીકત હજુ સામે આવી નથી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ બે બાળકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. જોકે, બંને બાળકોને બહાર કાઢ્યા બાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં તેઓ સ્થળ પર હાજર નથી. ત્રીજા બાળકની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. સૌથી ચિંતાજનક બાબત એ છે કે લાપતા બાળકના વાલી-વારસ પણ હજુ સુધી ઘટનાસ્થળે પહોંચ્યા નથી. આ કારણે તળાવ કિનારે હાજર લોકોમાં ચિંતા વધુ વધી છે.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરો અને નિષ્ણાત ડાઇવર્સ દ્વારા તળાવના ઊંડા પાણીમાં લાપતા બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અંધારું થયા બાદ પણ સ્પેશિયલ લાઇટો અને અન્ય સાધનોની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. ફાયર વિભાગની ટીમે બાળકને શોધવા માટે તમામ શક્ય પ્રયાસો હાથ ધર્યા હતા.

ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તળાવ કિનારે એકઠા થયા હતા. પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ભીડને નિયંત્રિત કરી રેસ્ક્યૂ કામગીરીમાં મદદ કરી હતી. મળતી માહિતી મુજબ, અંધારાને કારણે શોધખોળમાં મુશ્કેલી સર્જાઈ હતી અને ફાયર વિભાગ દ્વારા ફરી સવારે શોધખોળ હાથ ધરવાની કામગીરી કરવામાં આવનાર છે. સમગ્ર ઘટનાને પગલે વટવા અને ઘોડાસર વિસ્તારમાં ચિંતા અને અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(11:22 PM IST)