તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
સુરતમાં ત્રણ મહિના જૂનો રોડ વરસાદમાં બેસી ગયો, કોન્ટ્રાક્ટર સહિત ત્રણ સામે પાલિકાની કાર્યવાહી
મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટર, જુનિયર ઈજનેર અને ટેક્નિકલ આસિસ્ટન્ટને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો

સુરત: શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે મોટા વરાછા વિસ્તારમાં તાપી નદી કિનારે ત્રણ મહિના પહેલાં જ બનાવવામાં આવેલો રોડ બેસી જવાની ઘટનાએ પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટર, જુનિયર ઈજનેર અને ટેક્નિકલ આસિસ્ટન્ટને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.
મળતી માહિતી મુજબ, મોટા વરાછાના 24 મીટર પહોળા રોડ પરથી એક પરિવાર કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રોડ ધસી પડતાં કારના બંને ટાયર ખાડામાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પાલિકાએ તાત્કાલિક કપચી ભરેલી ટ્રક મોકલી હતી, પરંતુ ભારે વાહન પસાર થતાં રોડનો વધુ ભાગ ધસી પડ્યો હતો.
ઘટના બાદ પાલિકાએ ઝોનના જુનિયર ઈજનેર દીપક વરૂ અને તાલીમાર્થી ટેક્નિકલ આસિસ્ટન્ટ ભાવેશ ચૌધરીને શોકોઝ નોટિસ ફટકારી છે. ઉપરાંત, રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સિવિલિસ ઇન્ફ્રાને પણ નોટિસ પાઠવી સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.
પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં રોડની નીચે આંતરિક ધોવાણ (ઇન્ટરનલ ઇરોઝન) થયાની શક્યતા સામે આવી છે. આ અંગે પાલિકાએ સિંચાઈ વિભાગને પત્ર લખીને તાપી નદીના કિનારે યોગ્ય પાળા અને રક્ષણાત્મક કામગીરી તાત્કાલિક હાથ ધરવાની માંગ કરી છે.
આમ આદમી પાર્ટીના પૂર્વ નગરસેવક મહેશ અણઘણે આક્ષેપ કર્યો હતો કે જરૂરી વોટરિંગ અને અન્ય તકનીકી પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ રોડને પૂર્ણતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ રોડ માત્ર ડામરના સ્તર પર જ ટકેલો હતો, જેના કારણે પ્રથમ જ ભારે વરસાદમાં તેની ગુણવત્તાની પોલ ખુલી ગઈ છે.
હાલ પાલિકા દ્વારા સમગ્ર મામલે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
