તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
કલોલના સઈજ જીઆઈડીસી વિસ્તારમાં કંપનીમાં ટાંકી સફાઈ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકોના ગૂંગળામણના કારણે કરૂણમોત
મફતલાલ કંપનીના અંડર ગ્રાઉન્ડ ટંકીં સફાઈ કામગીરી દરમિયાન ઝેરી ગેસ ગળતર થતા શ્રમિકોની હાલત લથડી :ત્રણના કરૂણમોત ચોથા શ્રમિકની હાલત નાજુક

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સઈજ જીઆઈડીસી વિસ્તારમાં એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલી પ્રસિદ્ધ મફતલાલ કંપનીમાં ટાંકીની સફાઈ કરવા ઉતરેલા શ્રમિકો માટે કાળ આંટો મારી ગયો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, ઝેરી ગેસના ગળતરને કારણે ગૂંગળામણ થવાથી ત્રણ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય એક શ્રમિક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
ઘટનાની વિગતો મુજબ, સઈજ GIDCમાં આવેલી મફતલાલ કંપનીના અંડરગ્રાઉન્ડમાં આવેલી એક ટાંકીની સફાઈની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન ચાર શ્રમિકો ટાંકીમાં ઉતર્યા હતા. ટાંકીની અંદર એકાએક કોઈ ઝેરી ગેસનું ગળતર થવા લાગતા ચારેય શ્રમિકોની હાલત લથડવા માંડી હતી અને તેઓ ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. બચાવ કામગીરી હાથ ધરાય તે પહેલા જ ત્રણ શ્રમિકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. ચોથા શ્રમિકને અત્યંત ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેને બચાવવા પ્રયાસ કરી રહી છે.
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગેસ ગળતર કયા કારણોસર થયું અને શું સુરક્ષાના પૂરતા સાધનો શ્રમિકોને આપવામાં આવ્યા હતા કે નહીં, તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. આ ગંભીર મામલાની ઝીણવટભરી તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમની પણ મદદ લેવામાં આવી છે. FSL ના નિષ્ણાતો ટાંકીમાં કયા પ્રકારનો ગેસ હતો અને ટેકનિકલ ખામી ક્યાં સર્જાઈ હતી તેની તપાસ કરશે. સ્થાનિક તંત્ર દ્વારા કંપની સંચાલકો સામે બેદરકારીના મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
