<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત વિસ્તારોમાં મેઘમહેરની ચેતવણી.

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર, સક્રિય મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી વિવિધ હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય થવાને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ બરાબરનો જામશે.

ગુજરાતમાં વરસાદના એક નવા રાઉન્ડે ધબધબાટી બોલાવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 15 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર, સક્રિય મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી વિવિધ હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય થવાને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ બરાબરનો જામશે.

હવામાન ખાતાના લેટેસ્ટ બુલેટિન મુજબ, આગામી 48 કલાક રાજ્યના મોટાભાગના વિસ્તારો માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી સંભાવના છે. ખાસ કરીને આ વિસ્તારોમાં નદી-નાળાઓ છલકાઈ જવાના અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે, તેથી સ્થાનિક તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે

રાજ્યના પાટનગર ગાંધીનગર અને મેટ્રો સિટી અમદાવાદમાં પણ મેઘરાજા મહેરબાન થશે. આ બંને મોટા શહેરોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે પરંતુ સાથે જ ટ્રાફિક અને જળભરાવની સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. આ ઉપરાંત, આવતીકાલે કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કચ્છ જેવા સૂકા પ્રદેશમાં વરસાદની આ આગાહી ખેડૂતો અને માલધારીઓ માટે રાહતનો શ્વાસ લઈને આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારો માટે વિશેષ ચેતવણી જારી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો હોવાથી અને પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા હોવાથી, માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે રાજ્યના વિવિધ પોર્ટ પર ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલ ખરાબ હવામાન અને દરિયામાં ભારે તોફાનની શક્યતા દર્શાવે છે.

(5:47 PM IST)