<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

કાળઝાળ ગરમી વચ્ચે કાલથી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા

રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 30 મેથી લઈને 4 જૂન સુધી વરસાદની સત્તાવાર આગાહી

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 30 મેથી લઈને 4 જૂન સુધી વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને તીવ્ર ગતિએ ફૂંકાતા ભારે પવન સાથે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે, જેને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. ખાસ કરીને અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદની સાથે કલાકના 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આકાશમાં વીજળીના કડાકા-ભડાકા જોવા મળી શકે છે. સ્થાનિક ખેડૂતોને પણ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના પાકને સુરક્ષિત સ્થાને ખસેડી લેવા સુચના અપાઈ છે.

 રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં પણ હવામાનનો મિજાજ બદલાશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. બપોર બાદ કે સાંજના સમયે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે અને અચાનક તેજ પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે.  

ભલે આગામી અઠવાડિયામાં વરસાદી માહોલ જામવાનો હોય, પરંતુ હવામાન નિષ્ણાતો અને લાંબા ગાળાના પૂર્વાનુમાન મુજબ આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અલ-નીનો અથવા અન્ય વૈશ્વિક હવામાન પરિબળોના કારણે વરસાદની ટકાવારીમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, જે ખેતીવાડી માટે ચિંતાનો વિષય બની શકે છે. જો કે, શરૂઆતી તબક્કામાં પડી રહેલો આ વરસાદ લોકોને ગરમીના અસહ્ય ઉકળાટમાંથી મોટી રાહત આપશે તે ચોક્કસ છે.

(7:55 PM IST)